- ફ્લેટનો કબ્જો નહીં મળતા રહીશોનો વિરોધ
- ફ્લેટ ધારકોએ મનપા કચેરી ખાતે કર્યું વિરોધ પ્રદર્શન
- વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઇ
સુરત: શહેરના વેસુ વિસ્તારમાં આવેલા રાહુલ રાજ મોલ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત સુમન મલ્હાર આવાસનો વર્ષ 2018માં ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ ફ્લેટ ધારકોએ મનપાની તમામ પ્રક્રિયા તેમજ નાણાં ચૂકવી દીધા હોવા છતાં બે વર્ષથી તેઓનો ફ્લેટનો કબજો સોંપવામાં આવ્યો નથી. જેને લઈને લાભાર્થીઓએ મનપા કચેરી ખાતે આવી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને ફ્લેટનો કબજો તાત્કાલિક આપવા માગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓએ જોડાઇને નારા લગાવ્યા હતા.
આ અંગે લાભાર્થી કાંતિભાઈ જાદવે જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. તેમજ ધંધા રોજગાર બંધ હોવાથી અમારી હાલત કફોડી બની ગઇ છે. એક તરફ ફ્લેટના બેન્કના હપ્તા તેમજ હાલ ભાડે રહેતા હોવાથી ભાડું પણ ભરવું પડતું હોવાથી હાલત કફોડી બની ગઇ છે. જેથી મનપા કમિશ્નર આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લાભાર્થીઓએ માગ કરી હતી.