સુરતના લિંબાયતમાં ગોડસેની જન્મજયંતી ઉજવી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. આદેશના પગલે લીંબાયત પોલીસે જવાબ લખવાના બહાને 6 લોકોને બોલાવી ધરપકડ કરી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની જન્મજયંતિની ઉજવણી કરવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા કોંગ્રેસ ગિન્નાઈ હતી અને પોલીસ કમિશ્નર કચેરી પહોંચી સુત્રોચાર કર્યા હતા. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે, ભાજપ પરદા પાછળ રહી આ બધું કરાવી રહી છે અને કસુરવાર સામે તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
ઉશ્કેરણી અને સુલેહ શાંતિનો ભંગ થતા રાજય સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યું હતું કે, તમામ પર લોકોની લાગણી દુભાવવા ઉશ્કેરાટ, ઉત્તેજના ફેલાવી જાહેર સુલહ શાંતિનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસને સખત કાર્યવાહી કરવા અંગે આદેશ હતા. શહેરમાં જે લોકો મહાત્મા ગાંધીના હત્યારાના ઉલ્લેખ કરી શાંતિ ભંગ કરશે તેઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
સુરત લીંબાયત પોલીસે 6 લોકોની કરી ધરપકડ
હિરેન મશરૂ
વાલા ભરવાડ
વિરલ માલવી
હિતેશ સોનાર
યોગેશ પટેલ
મનીષ કલાલ