ગાંધીનગર: આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે. આખા દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ મુખ્યમંત્રી નિવાસ સ્થાને આવેલ કોમ્યુનિટી સેન્ટર ખાતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. જેમાં 200 થી વધુ મહિલાઓએ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ગુજરાતની રક્ષા, સુરક્ષા અને સુરક્ષિત રાખવા માટે રક્ષાપોટલી બાંધી હતી. ઉપરાંત અમદાવાદની શાળા દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને 325 ફૂટની રાખડી અર્પણ કરવામાં આવી હતી.
'છેલ્લા 17 વર્ષથી અમારી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની મહેનતથી અમે અલગ-અલગ થીમ ઉપર રાખડીઓ બનાવીએ છીએ. આતંકવાદ સામે રક્ષણ, વાંચે ગુજરાત, બેટી બચાવો-બેટી પઢાવો અને ગુજરાતની થીમ ઉપર ભૂતકાળમાં રાખડી બનાવી છે. આ વખતે G20 અને ચંદ્રયાન-3 ની થીમ ઉપર 325 ફૂટની રાખડી તૈયાર કરવામાં આવી છે. જે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પહેરાવી હતી. લગભગ 35 જેટલા છોકરા હોય ભાગ લીધો હતો અને 30 હજાર જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.' -પંકજ પટેલ, ટ્રસ્ટી, સાધના સ્કૂલ
રાખડી સીએમને અપાઈ: સાધના સ્કૂલના ટ્રસ્ટી પંકજ પટેલ વધુમાં જણાવ્યું હતું કે અલગ-અલગ પ્રકારના 300 જેટલા જુમખા મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત G20માં જેટલા પણ દેશોએ ભાગ લીધા હતા તે તમામ દેશોના ધ્વજ પણ રાખવામાં આવ્યા છે. G20 અને ચંદ્રયાને ભારત દેશને વિશ્વ ફલક પર અને નામ ચમકાવ્યું છે ત્યારે તેને ધ્યાનમાં લઈને જ આ થીમ તૈયાર કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી 35 વિદ્યાર્થીઓએ મહેનત કરી છે અને 5 જેટલા શિક્ષકો પણ હાજર રહ્યા હતા. સીએમ દ્વારા પણ તેમને આ કાર્ય બદલ શુભેચ્છા પાઠવી હતી.
રક્ષાબંધનની ઉજવણી: મુખ્યપ્રધાન નિવાસ્થાન ખાતે આવેલ કોમ્યુનિટી સેન્ટરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જેમાં ગુજરાત ભાજપના મહિલા મોરચાના અલગ અલગ જિલ્લાના પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના આ પર્વમાં મુખ્યમંત્રી નિવાસ્થાન ખાતે આવેલ કોમ્યુનિટી સેન્ટર ખાતે 300 થી વધુ મહિલાઓએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે સ્ટેજ પર ગુજરાત સરકારના એકના એક મહિલા પ્રધાન ભાનુબેન બાબરીયા અને ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરવડા હાજર રહ્યા હતાં.
લોકલ ક્રાઈમ બ્રાન્ચના મહિલા કર્મીઓએ સીએમને બાંધી રાખડી: મંત્રીના નિવાસસ્થાન ખાતે રાજ્યના મુખ્યપ્રધાન રક્ષાબંધનની ઉજવણી કરી હતી ત્યારે ભાજપ મહિલા મોરચાના આગેવાનો અને નેતાઓ સહિત 300 જેટલી મહિલાઓ દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના મહિલા કર્મચારીઓ અને સીએમની સલામતી વિભાગના મહિલા કર્મચારીઓએ પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી.