સુરત હીરા ઉદ્યોગ કે જ્યાં વિશ્વના 10 માંથી 8 હીરા કટિંગ પોલીશીંગ થાય છે. સુરતના હીરા ઉદ્યોગકારો અત્યાર સુધી રફ ડાયમંડ આફ્રિકા, રશિયા દુબઈ સહિત અન્ય દેશો પાસેમાંથી રફ હીરા ખરીદતાં હતા. હવે પ્રથમ વાર દેશના હીરા પન્ના માઇન્સના રફ હીરા ડાયરેકટ ખરીદી શકશે. સુરત ખાતે સપ્ટેમ્બર મહિનામાં પન્ના ખાણના હીરાની હરાજી કરવામાં આવશે.
જેને કારણે સુરતમાં જાહેરમાં હીરાની હરાજીનો ઈતિહાસ રચાશે. હીરાઉદ્યોગ સાહસિકોને સુરતમાંથી જ હીરાની સીધી ખરીદીનું પ્લેટફોર્મ જીજેઇપીસીનાં માધ્યમથી મળશે. 25 હજાર કેરેટ રફ ડાયમન્ડની હરાજી કાઉન્સીલ દ્વારા ગુજરાત હીરા બુર્સ-ઈચ્છાપોર ખાતે તૈયાર કરાયેલાં સૂચિત ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર ખાતે કરવામાં આવશે.
આ સેન્ટરને સ્પેશ્યલ નોટીફાઈડ ઝોનનો દરજ્જો મળે તે માટેની તમામ કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. આ માટે હાલમાં જ કસ્ટમ્ વિભાગે હીરા બુર્સ ખાતેના સ્પેશ્યલ ટ્રેડ સેન્ટરનું જાત નિરીક્ષણનું કાર્ય પૂર્ણ કર્યુ છે. હવે આ રીપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી દેવાયા બાદ આખરી નિર્ણય લેવાશે. જીજેઈપીસીનાં ગુજરાત રીજનનાં ચેરમેન દિનેશે નાવડિયાએ જણાવ્યું હતું કે, આ હરાજીમાં માત્ર જીજેઈપીસીનાં સભ્યો લાભ લઈ શકશે. હરાજીમાં ભાગ લેવા માટે જીજેઈપીસીનાં સભ્ય બનવું અનિવાર્ય છે.
એન.એમ.ડી.સી. દ્વારા આયોજીત અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માટે નોંધણી કામ ટૂંક સમયમાં શરૂ કરાશે. પન્ના માઈન્સનાં પ્રોડયુસર એન.એમ.ડી.સી લિમિટેડે આ સુવિધાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સપ્ટેમ્બર માસમાં પ્રથમ વખત કાઉન્સીલનાં સભ્યો માટે અવલોકન યોજાશે અને ત્યારબાદ ઓનલાઈન પોર્ટલ થકી હરાજી હાથ ધરાશે એવુ દિનેશ નાવડિયાએ જણાવ્યુ હતું.