સુરત: સુરત રેલવે સ્ટેશન પરથી પહેલીવાર 20 શ્રમિક ટ્રેનો દોડશે. એક જ દિવસમાં 32 હજાર શ્રમિકો પોતાના વતન જશે. રાજ્યના પરપ્રાંતીય શ્રમિકોને સુરતથી તેમના ગૃહરાજ્યમાં મોકલવા માટે શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ શ્રમિક ટ્રેનની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતની આર્થિક પાટનગર સુરત દેશનો એક એવું શહેર બન્યું છે, જ્યાંથી સૌથી વધુ શ્રમિકોને તેમના માદરે વતન ટ્રેન મારફતે મોકલવામાં આવ્યા છે. અત્યારસુધી સુરત રેલવે સ્ટેશનથી અને રાજ્યોમાં 129 ટ્રેનો મારફતે 1.78 લાખથી વધુ શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે.
આજે સુરત રેલવે સ્ટેશન પરથી 20 ટ્રેનો રવાના થશે. સુરતથી યુપી માટે 14 ટ્રેન સહિત ઓરિસ્સાના માટે બે ટ્રેન તથા ઝારખંડ માટે બે અને બિહાર માટે બે ટ્રેનની મંજૂરી મળી છે. આમ સુરતથી આજે ચાર રાજ્યોમાં કુલ 20 ટ્રેનો રવાના થશે. જેમાં 32,000 શ્રમિકો રવાના થશે. સુરત જિલ્લા કલેકટરે વધુ 250 ટ્રેનોની માંગ કરી છે. તંત્ર પાસે વતન જવા ઇચ્છતા શ્રમિકોની લિસ્ટ પણ તૈયાર છે. અત્યારસુધી બસથી 50 હજાર શ્રમિકોને તેમના રાજ્ય મોકલવામાં આવ્યા છે. 76 યુપી, 28 ઓરિસા, 16 બિહાર, 6 ઝારખન્ડ, 2 ઉત્તરાખંડ અને 1 રાજસ્થાન ટ્રેનો સુરત થી અત્યારસુધી રવાના થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતથી અત્યાર સુધી દરરોજ 10થી 15 જેટલી ટ્રેનો જતી હતી. જ્યારે, હવે વધુ ટ્રેનોની મંજૂરી મળતા આજથી વધુ ટ્રેનો અન્ય રાજ્યોમાં જઈ શકશે.