સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે સફળ સર્જરી કરવામાં આવી છે. જન્મથી મૂકબધિર બે બાળકો પર કોક્લિયર ઈમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે. સરકારની (રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના) RBSK યોજના હેઠળ કોકલિયર ઈમ્પ્લાન્ટની સફળ સર્જરી થતા ચાર વર્ષના બે માસૂમોને શ્રવણ અને વાક શક્તિની અણમોક ભેટ મળી છે.
કુલ 8 સફળ સર્જરીઃ સરકારની રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના હેઠળ ચાર વર્ષના બે મૂકબધિર બાળકોની સફળ કોકલિયર ઈમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે. જેમાં શહેરના ઉમરવાડા વિસ્તારમાં રહેતા ચાર વર્ષીય આયેશા અબ્દુલરઉફ શેખ તથા અમરોલી ખાતે રહેતા ચાર વર્ષીય હાર્દિક મોતીભાઈ બેરડીયાની સર્જરી કરવામાં આવી છે. આ સાથે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા 7મી અને 8મી સફળ કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી થઈ છે.
5 કલાકની સર્જરીઃ હોસ્પિટલના તબીબોની જહેમતથી આ સર્જરીને સફળ બનાવીને બંને બાળકોને અણમોલ ભેટ આપી છે. બાળકોના પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે. પરિવારે તબીબોનો પણ આભાર માન્યો જેમણે અંદાજિત પાંચ કલાકનો સમય ખર્ચીને આ ઓપરેશનને સફળ બનાવ્યું છે.
મારી દીકરી આયેશા નાનપણથી બોલી કે સાંભળી શકતી ન હતી. આજે મારી દીકરીનું વિનામૂલ્યે ઓપરેશન થયું છે જે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું...અબ્દુલ રોફ શેખ(બાળદર્દીના પિતા, સુરત)
અમારા પરિવારની પરિસ્થિતિ સામાન્ય છે. મારા પુત્રનું ઓપરેશન સરકારની RBSK યોજના અંતર્ગત વિનામૂલ્યે થયું છે. તે સાંભળતો-બોલતો થઈ જશે એની વિશેષ ખુશી છે. અમે રાજ્ય સરકારના આભારી છીએ...રંજનીબેન બેરડીયા(બાળદર્દીના માતા, સુરત)
12 લાખની સર્જરી નિઃશુલ્કઃ કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરીમાં સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનનો સમાવેશ થાય છે. આ તમામનો કુલ ખર્ચ રૂપિયા 12 લાખ જેટલો થવા જાય છે. આ સર્જરી સરકારી હોસ્પિટલ માં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના હેઠળ નિ:શુલ્ક કરવામાં આવે છે. આજે બે મધ્યમવર્ગીય પરિવારોને મોટી આર્થિક રાહત સાથે તેમના બાળકોને નવી જિંદગી મળી છે.
આ સર્જરીમાં ચારથી પાંચ કલાક ઓપરેશનમાં સમય લાગે છે. મૂકબધિર બાળ 6 વર્ષથી નીચેનું હોય તો સફળતાના ચાન્સીસ વધી જાય છે. બાળકના કાનની ચામડીના અંદરના ભાગમાં સર્જરી કરીને ઈલેકટ્રોડ મશીન ફિટ કરવામાં આવે છે. ત્રણ અઠવાડિયા બાદ ટાંકાઓ ખોલી મશીનની સ્વીચ ઓન કરવામાં આવે છે. આ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ 1થી 2 વર્ષ સુધી બાળકોને ‘ઓડિટરી વર્બલ થેરેપી’ માટેની ટ્રેનિંગ લેવી પડે છે. જેથી બાળક ધીમે ધીમે સાંભળતું અને બોલતું થાય છે...ડૉ. રાહુલ પટેલ(ENT સર્જન, નવી સિવિલ હોસ્પિટલ,સુરત)