સુરત : ડાયમંડ નગરી સુરતમાં હાલ હીરા ઉદ્યોગમાં ફરી મંદીનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ છેલ્લા પાંચ દિવસથી વિદેશથી આયાત કરાયેલા રૂપિયા 1000 કરોડથી પણ વધુ કિંમતના આશરે 600થી પણ વધુ પાર્સલો અટવાયા છે. સુરત કસ્ટમ વિભાગનું પોર્ટલ હેન્ગ થતાં આ સમસ્યા સર્જાય છે. એમાં પણ હવે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો હોવાથી હવે રફના પાર્સલો અટવાતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનેદારો અને રત્ન કલાકારો મુંઝવણમાં મુકાયા છે.
હીરા ઉદ્યોગની મુશ્કેલી: રશિયાથી રફ ડાયમંડ આયાત પર પ્રતિબંધ છે, ત્યારે અન્ય દેશો માંથી સુરત ડાયમંડ ઉદ્યોગ રક્ત ડાયમંડ આયાત કરી રહ્યા છે. બીજી તરફ છેલ્લા પાંચ દિવસથી આશરે 600થી પણ વધુ રફ હીરાના પાર્સલો સુરત કસ્ટમ વિભાગનું પોર્ટલ હેંગ થવાના કારણે ક્લિયરન્સ મેળવી શક્યા નથી. જેથી હવે હીરા ઉદ્યોગમાં મસ મોટી મુશ્કેલી સર્જાય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ પાર્સલમાં ડાયમંડની કિંમત આશરે 1000 કરોડથી પણ વધુની છે, જો આ રફ ડાયમંડ સમયસર કારખાને નહીં પહોંચશે તો રત્ન કલાકારોને પણ રોજગારી મેળવવામાં સમસ્યા થઈ શકે છે.
કસ્ટમ વિભાગમાં અટવાયા રફ હીરાના પાર્સલો: છેલ્લા પાંચ દિવસથી સુરત કસ્ટમ વિભાગના પોર્ટલમાં ખામી સર્જાતા અને પોર્ટલ હેન્ગ થઈ જતાં સૌથી વધુ મુશ્કેલી હીરા ઉદ્યોગ માટે સર્જાય છે, કારણ કે હીરા ઉદ્યોગ વિદેશથી રફ હીરા પર આધાર રાખે છે, અને વિદેશથી આવેલા રફ હીરાના આશરે 600થી પણ વધુ જેટલા પાર્સલ કસમ્ટ વિભાગના પોર્ટલ હેંગ થઈ જવાના કારણે ક્લિયરન્સ મેળવી શક્યા નથી. હીરાના જે પાર્સલ અટવાયેલા છે તેની કિંમત 1000 કરોડથી પણ વધુ હોવાનું હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે. અગાઉ પણ આવી જ સમસ્યા સર્જાઈ ચૂકી છે, ત્યારે હીરાના પાર્સલો ક્લિયરન્સ કરવા માટે મેન્યુઅલી પદ્ધતિ અપનાવવામાં આવી હતી પરંતુ આ વખતે આ મેન્યુઅલી પદ્ધતિ અમલમાં નહીં મૂકવાના કારણે આ સમસ્યા સર્જાય છે.
શું કહે છે હીરાના વેપારીઓ: હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નિલેશ બોડકીએ જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં દિવાળી છે, જેની ખરીદી લોકો કરશે અને હાલ આ પાર્સલ અટવાઈ જતાં કારખાનેદારો સાથે રત્ન કલાકારોને પણ હીરા પોલિશ કરવા માટે રફ ડાયમંડ નહીં મળે જેના કારણે તેમની આર્થીક સ્થિતિ પર પણ અસર પડશે. જો આવી સમસ્યા હજુ બે થી ચાર દિવસ લંબાશે તો હીરા ઉદ્યોગ માટે આ પરિસ્થિતિ વધુ નુકસાનકારક બનશે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દિનેશ નાવડીયા નામના અન્ય એક અગ્રણી એ જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં દિવાળી છે અને ખાસ કરીને નાના હીરા ઉદ્યોગના કારખાનાઓમાં રફ હિરાની ખુબ જરૂરિયાત છે . જો સમયસર કસ્ટમવિભાગમાં અટવાયેલા પાર્સલ તેમને નહીં મળે તો હીરા ઉદ્યોગમાં મુશ્કેલી સર્જાય શકે છે. તેમણે કસ્ટમ વિભાગને તાત્કાલિક મેન્યુઅલી પધ્ધતિથી આ હીરાના પાર્સલો છૂટા કરવાની અપીલ કરી હતી.