સાબરકાંઠાના ઇડર શહેરમાં ટ્રાફિક તેમજ રખડતાં પશુઓનો અસહ્ય ત્રાસ છે. જોકે ટ્રાફિક થવા પાછળ પણ રખડતા પશુઓ જવાબદાર હોવાનું સામે આવ્યુ હતું. ત્યારે ઇડર શહેરમાં આવેલા નવા પ્રાંત અધિકારીએ શહેરના ટ્રાફિક વિભાગ તેમજ પાલિકા સહિત અન્ય અધિકારીઓની બેઠક કરી તાત્કાલિક ધોરણે શહેરમાં રખડતાં પશુઓને દૂર કરવા જણાવ્યું હતું. આ દરમિયાન શહેરમાં 500થી વધારે પશુઓ રખડતા હોવાનું પ્રાથમિક ધોરણે બહાર આવ્યું હતું. જેના પગલે તાત્કાલિક ધોરણે રખડતા તમામ પશુઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરાઇ છે. તેમજ ઝડપાયેલા તમામ પશુઓને શહેરથી નજીક આવેલા પાંજરાપોળ ખાતે મોકલી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
જોકે આજ દિન સુધી રખડતા પશુ મુદ્દે કોઇ નિર્ણય લેવાયો નહોતો. રખડતાં પશુઓના પગલે કેટલાય લોકોને અકસ્માત તેમજ ઇજાઓ થતી હતી. તેમજ ટ્રાફિકની સમસ્યા પણ વધારે જોવા મળતી હતી. ત્યારે રખડતાં પશુઓને ઝડપી લેવાના પ્રયાસને સ્થાનિકોએ પણ બિરદાવ્યો હતો.