સાબરકાંઠા :ગુજરાતમાં મોટાભાગે ખેતી અને ખેત ઉત્પાદનો માટે ખાનગી એજન્ટો અને પેઢીઓ દ્વારા ખેડૂતોને બીજ માટે છેતરવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ વર્ષે સાબરકાંઠા જિલ્લાના ઇડર રાષ્ટ્રીય બીજ નિગમ દ્વારા એક વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત જિલ્લાના ખેડૂતો માટે તમામ પ્રકારના બિયારણ પ્રાપ્ય થઇ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
સોમવારે ઇડરના દિવેલા સંઘ ખાતે રાષ્ટ્રીય બીજ નિગમનું વેચાણ કેન્દ્ર ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. જેના પગલે આ વર્ષથી જ જિલ્લાના તમામ ખેડૂતો સસ્તા ભાવે બધા જ પ્રકારના બિયારણો મેળવી શકશે.
સામાન્ય રીતે કેટલાક લોકો ખેડૂતોને ખોટું માર્ગદર્શન આપી લૂંટતા હોય છે. તેમજ જેનું બિયારણ બગડે તેનું વર્ષ બગડે કહેવત અનુસાર ખેડૂતની તમામ મહેનત પાણીમાં જાય છે. પરંતુ હવે વેચાણ કેન્દ્રના પગલે જિલ્લાના ખેડૂતોને હવે છેતરવાનો વારો નહી આવે.