હિંમતનગરઃ સમગ્ર રાજ્યમાં 'બેટી બચાવો, બેટી પઢાવો' સપ્તાહની ઉજવણી તારીખ 20થી 26 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવી હતી. જેમાં દિકરીઓને દિકરા જેવો આદર ભાવ આપવામાં આવે અને દિકરો-દિકરી એક સમાન તક આપી ઉછેર કરવામાં આવે તે માટે જાગૃતિ અભિયાન થકી નાટકો અને રેલીઓ યોજવામાં આવી હતી. દિકરીને જન્મ આપવામાં આવે અને સ્ત્રી-ભૃણહત્યા રોકવામાં આવે તે હેતુથી સમગ્ર જિલ્લામાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તા સી.જે પટેલ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકામાં દિકરી જન્મદર વધુ છે. જે આવકારદાયક છે અને અભિનંદન પાત્ર છે. સમગ્ર ગુજરાતમાં 917 જેન્ડર રેશિયોની તેની સામે તલોદ તાલુકામાં 1017 જેન્ડર રેશિયો છે. જે આ તાલુકાની પ્રશંસાપાત્ર સિદ્ધિ સમાન છે. તેમજ આપણા જિલ્લાએ ગૌરવ લેવા જેવી બાબત પણ છે. દિકરીઓ આજે દરેક ક્ષેત્રમાં દિકરાઓ સાથે કદમ મિલાવીને આગળ વધી રહી છે, ત્યારે તેમને દિકર સમાન તક આપી આગળ વધવામાં માતા-પિતા તેમજ અધ્યાપકોએ અને સમાજે પ્રોત્સાહન પુરૂં પાડી મદદરૂપ થવું જોઇએ.
આ કાર્યક્રમમાં મહિલા સુરક્ષા તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ કાયદાઓની માહિતીથી વાકેફ કરી વિસ્તૃત સમજ આપી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 'બેટી બચાવો, બેટી પઢાવો'ના શપથ તથા સિગ્નેચર ડ્રાઇવ કેમ્પેન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વ્હાલી દિકરી યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમજ આ કાર્યક્રમ જેના માટે યોજાયો હતો, તેવી વ્હાલી દિકરીના માતા-પિતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જો કે, આગામી સમયમાં આ મુહિમ કેટલી સફળ થશે એ તો સમય જ બતાવશે.