સાબરકાંઠા:કોરોનાનો વાઇરસ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ આ રોગનો ભોગ બની રહ્યું છે. વિશ્વમાં 200થી વધુ દેશોમાં આ કોરોના મહામારી ફેલાઇ ચુકી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકડાઉનના નિર્ણયના પગલે ભારતમાં અને ગુજરાતમાં કોરોનાનું જોખમ ઘટાડી શકાયું છે.
લોકડાઉનના પગલે લોકોનો સંપર્ક ઘટાડી આ રોગ પર અંકુશ લગાવાયો છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. આ સમયે જિલ્લામાં માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ સમયે હિંમતનગર નગરપાલિકાની રાષ્ટ્રીય શહેરી આજીવીકા મિશન અંતગર્ત રચના કરેલા સખીમંડળની બહેનો દ્વારા 20,000થી વધુ માસ્ક બનાવી રાહત દરે માસ્ક વિતરણ કરવામાં આવે છે.
હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં કામ કરતા તમામ વિભાગના કર્મચારી માટે માસ્ક બનાવવાની કામગીરી આ નગરપાલિકા સખી મંડળ દ્વારા કરવામાં આવી હતી. આ સખી મંડળની 9 બહેનો આ માસ્ક નિર્માણ થકી લોકડાઉનમાં પણ રોજગારી મેળવી આ કોરોના મહામારીમાં સેવા કાર્ય કરી સમાજની કોરોના વોરીયર્સ બની કોરોનાને ફેલાતો રોકવામાં મદદરૂપ થઇ રહી છે.