સાબરકાંઠા : સામાન્ય રીતે ચોમાસાની સિઝન બાદ રોડ-રસ્તા અને હાઈવે ઉપર મોટા ખાડાઓ પડતા હોય છે. જોકે, હાલના તબક્કે ચોમાસાની શરૂઆતમાં જ સાબરકાંઠા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં માર્ગ બિસ્માર બની ચૂક્યા છે. જેમાં દિલ્હીથી મુંબઈનો જોડતા નેશનલ હાઇવે નંબર 8 તો ડિસ્કો રોડ બન્યો છે. હાઈવે પર ઠેરઠેર મોટા ખાડા પડ્યા છે. જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
ડિસ્કો રોડ : એક તરફ ગુજરાત તેમજ રાજસ્થાન માટે સેતુ રૂપ નેશનલ હાઇવે નંબર 8 તદ્દન બિસ્માર બન્યો છે. તો બીજી તરફ સાબરકાંઠાના મુખ્ય મથક એવા હિંમતનગરમાંથી પસાર થતા હાઇવેમાં પણ મસમોટા ખાડા પડ્યા છે. જે સ્થાનિકો સહિત આવન જાવન કરનારા રાહદારીઓ માટે ભારે પરેશાની સ્વરૂપ બની રહ્યો છે.
સુવિધાના નામે મીંડુ : નેશનલ હાઇવે ઓથોરિટીને હાઇવેની સારસંભાળ રાખવાની જવાબદારી હોવા છતાં ચોક્કસ પગલાં લેવાતા નથી. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 8 ઉપર પ્રાંતિજ નજીક ટોલટેક્સ છે. જ્યાં વાહન ચાલકો પાસેથી નિયમિત ટોલટેક્સ લેવાય છે. તો બીજી તરફ હિંમતનગરથી વિજાપુર તરફ જતા પણ ટોલટેક્સ આવેલો છે. ત્યારે ટોલટેક્સની રકમ આપવા છતાં કોઈપણ પ્રકારની સુવિધા ન મળતા હવે સ્થાનિક વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળે છે.
6 વર્ષથી અધૂરું કામ : આ અંગે સ્થાનિક અવરજવર કરતા લોકોએ જણાવ્યું હતું કે, હિંમતનગર શહેરમાં લગભગ 6 વર્ષથી બ્રિજનું કામકાજ ચાલે છે. પરંતુ હજી સુધી તેનું કામ પૂર્ણ થયું નથી. બ્રિજની કામગીરી દરમિયાન પણ હાઇવેને ઘણી જગ્યાએ ખોદવામાં આવ્યો હતો. જ્યારે આજુબાજુ કરેલા ખાડા પણ હજુ જેમના તેમ છે. પહેલા વરસાદમાં જ ખાડાની સંખ્યામાં વધારો થયો છે. ઉપરાંત પ્રાંતિજ પાસેના અને હિંમતનગર પાસેના બંને ટોલ નાકા પર ટોલટેક્સ ભરવો પડે છે. પરંતુ તેની સામે સુવિધા મળતી નથી.
સામાન્ય રીતે નેશનલ હાઇવે પસાર થતો હોય તો તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હોતી નથી. જોકે. સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 8 ઉપર મસમોટા ખાડા હોવા છતાં તંત્ર દ્વારા કોઇ ચોક્કસ પગલાં લેવામાં ઉદાસીનતા દેખાઈ રહી છે. એક તરફ તંત્ર દ્વારા વાહનચાલકો પાસેથી ટોલટેક્સ લેવામાં આવે છે. પરંતુ તેની સામે સુવિધાના નામે મીંડુ છે.-- સુરેશ સલાટ (સ્થાનિક)
સ્થાનિકોની માંગ : વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, બિસ્માર માર્ગને કારણે અવારનવાર અકસ્માત પણ સર્જાય છે. રોડ-રસ્તા પરના મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તાત્કાલિક તંત્ર રોડ-રસ્તાઓનું અધૂરું કામ પૂર્ણ કરે તે જરૂરી છે. છેલ્લા કેટલાય સમયથી હાઈવે સહિત રોડ રસ્તા ઉપરની સમસ્યા તાત્કાલિક ધોરણે દૂર કરવી જરૂરી છે. ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કેટલા સમયમાં જરૂરી નિર્ણય કરે છે.