સાબરકાંઠા : જિલ્લા કલેક્ટર સી.જે. પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેક્ટર કચેરી સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લો કુદરતી સૌદર્યનો ભંડાર છે. આ સૌદર્યને માણવા પ્રવાસીઓને આકર્ષવા પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આદિજાતી તાલુકા પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં પ્રવાસન સ્થળોને વિકસાવવા અંગે માહિતી એકઠી કરવા જિલ્લા કલેકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાંકણોલ અને તલોદ તાલુકાના ઉજેડિયા ગામે વિકસી રહેલા બ્રહ્માકુમારી સેન્ટરની ૬૦૦ થી ૭૦૦ લોકો મુલાકાત લે છે. જેથી આ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જોકે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાંથી કયા સ્થળને પ્રવાસન સ્થળ તરીકે સમાવેશ કરવામાં આવશે એ તો સમય બતાવશે પરંતુ હાલના તબક્કે જિલ્લામાં પ્રવાસન ધામમાં ફરવાના સ્થળોનો વિકાસ દેખાઈ રહ્યો છે તે નક્કી બાબત છે.