ઈડરઃ આરસોડિયા ગામે દેશી તેમજ વિદેશી દારૂના દુષણે બહુ ત્રાસ ફેલાવ્યો છે. મહિલાઓની સહનશીલતાની હદ આવી જતા મહિલાઓએ રણચંડી સ્વરૂપ ધારણ કરી જનતા રેડ કરી છે. સપ્તેશ્વર વિસ્તારની નદી કાંઠે, ગામની સીમમાં ગળાતા દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો છે. તેમજ ભારે માત્રામાં દેશી દારૂને જમીન પર ઢોળીને બુટલેગરોમાં ધાક બેસાડી છે.
અનેક રજૂઆતોનું પરિણામ શૂન્યઃ સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતેના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આરસોડીયા ગામમા છેલ્લા કેટલાક વર્ષોથી દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું. આ દેશી દારૂના અડ્ડા કાયમી ધોરણે બંધ કરાવવા ગામની મહિલાઓએ પોલીસ અને આગેવાનોને અનેક રજૂઆતો કરી હતી, પરંતુ પરિણામ શુન્ય આવ્યું હતું. દારૂના ઉત્પાદન અને વેચાણને અટકાવતો કોઈ નક્કર ઉકેલ ન આવતા મહિલાઓએ જાતે જ કમર કસી.
કંટાળેલી મહિલાઓએ કરી જનતા રેડઃ સ્થાનિક મહીલાઓ પોતાના પતિ તેમજ દીકરાઓને દારૂના રવાડે ચઢી બરબાદ થતા જોઈ શકી નહીં. મહિલાઓ દ્વારા જાદર પોલીસ સ્ટેશન અને આગેવાનોને વારંવાર રજૂઆત કરવામાં આવી. આ રજૂઆતોની અસર અવળી થઈ. બુટલેગરો મહિલાઓને ધમકાવવા લાગ્યા. પોલીસવાળા દારુડિયાઓને એક રાત જેલમાં રાખી બીજા દિવસે છોડી દેતા. કેટલાક આગેવાનો મહિલાઓને પતિઓને કાબૂમાં રાખવાની સલાહ આપતા. આખરે કંટાળીને મહિલાઓએ જનતા રેડ કરવાનું નક્કી કર્યું. જનતા રેડમાં મહિલાઓએ દેશી દારુ, દારુની બનાવટમાં વપરાતો સ્કવોશ તેમજ ભઠ્ઠીઓનો નાશ કર્યો. જેથી મહિલાઓની આ જનતા રેડ સફળ રહી હતી. બુટલેગરોમાં એક પ્રકારની ધાક બેસી ગઈ છે. સમગ્ર વિસ્તારમાં મહિલાઓએ કરેલી જનતા રેડની વાહ વાહ થઈ રહી છે.