હિંમતનગર:સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે. પટેલે ઇડર તાલુકાના દાવડ કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકત કરી કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેમજ આ વિસ્તારોમાં આપવામાં આવતી સુવિધાની સમિક્ષા કરી હતી. તેમણે આ દરમિયાન અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે ઇડરના કન્ટેઈન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી ઇડરના દાવડ ગામે કોરોના કેસ આવતા કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યો હોવાથી આ વિસ્તારની કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિકોને આરોગ્ય વિભાગના હાઉસ ટુ હાઉસ સર્વેમાં સહકાર આપવા અપીલ કરી હતી. તેમજ આ વિસ્તારોમાં બિન જરૂરી અવર-જવર ન કરવા, તેમજ અવર-જવરનો રસ્તો એક જ રાખવા સૂચના આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવા સાથે, વૃધ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું.વધુમાં જિલ્લા કલેકટર દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવા તેમજ આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ દિન-ચર્યા અપનાવવા અનુરોધ કર્યો હતો.તો સાથે જે લોકો પાસે સ્માર્ટ ફોન નથી તે લોકોએ ટોલ ફ્રી નંબર 1921 પર કોલ આરોગ્ય વિષયક માહિતી મેળવવા માર્ગદર્શન આપ્યું હતું. આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેકટર સી.જે. પટેલે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું, સાથો સાથ આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક અને અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધને તેમજ લોકડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવા સાથે સોશિયલ ડિસ્ટ્રન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. જો કે દિન પ્રતિદિન સમગ્ર ભારત,ગુજરાત સહિત સાબરકાંઠામાં કોરોના પોઝિટિવની સંખ્યા વધી રહી છે, ત્યારે હવે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પહોંચવા પ્રયાસ થઇ રહ્યો છે. જે કોરોના મહામારી સામે મહત્વનું પગલું સાબિત થઇ શકે છે.