- આંધ્રપ્રદેશમાં સાબર ડેરીનો ડંકો
- સાબર ડેરીએ દૈનિક 10 હજાર લિટર દૂધની ખરીદીની કરી શરૂઆત
- સ્થાનિક કક્ષાએ સૌથી વધુ ભાવ આપી રહી છે સાબર ડેરી
- પશુપાલકોનું ભાવિ આગામી સમયમાં વધુ સક્ષમ બનશે
સાબરકાંઠા: સમગ્ર સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોથી સક્ષમ બની રહેલી સાબર ડેરીએ હવે દક્ષિણનાં રાજ્યોમાં પણ હરણફાળ ભરી છે, જે અંતર્ગત પહેલી ડિસેમ્બરથી આંધ્રપ્રદેશમાં સાબર ડેરીએ પ્રતિદિન દસ હજાર લિટર દૂધની ખરીદીની શરૂઆત કરી આંધ્રપ્રદેશમાં સૌથી વધુ દૂધના ભાવ આપનારી બની છે. આથી હવે ગુજરાતના 18 સંઘોની સાથોસાથ આંધ્રપ્રદેશમાં પણ દૂધના વ્યવસાય ક્ષેત્રે સાબર ડેરી જે તે પશુપાલકોને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવશે તે નક્કી છે.
આંધ્રપ્રદેશમાં સાબરડેરીની હરણફાળ
ગુજરાતના 18 સંઘોમાં સૌથી વધુ દૂધના ભાવ આપવામાં છેલ્લા કેટલાક સમયથી સાબરડેરી અગ્રીમ રહી છે, હાલના તબક્કે કિલો બે રૂપિયા 710 જેટલો ભાવ આપી ગુજરાતમાં નંબર વન બની રહી છે. જોકે હવે દક્ષિણના રાજ્યો એવા આંધ્રપ્રદેશમાં પણ સાબર ડેરીએ પોતાનું કેન્દ્ર શરૂ કરી પ્રતિદિન 10,000 લીટરની દૂધની ખરીદી શરૂ કરવાની સાથોસાથ પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળે તે દિશામાં પ્રયાસ હાથ ધર્યો છે. જે અંતર્ગત આંધ્ર પ્રદેશમાં 650 રૂપિયાના ભાવે દૂધની ખરીદી કરાઈ રહી છે જે આંધ્રપ્રદેશમાં ભાવની બાબતમાં સૌથી વધુ છે.
સામાન્ય રીતે કોઈપણ ડેરી દ્વારા અન્ય રાજ્યમાં દૂધની ખરીદીની શરૂઆત પાંચસોથી હજાર લિટરની વચ્ચે થતી હોય છે. જોકે સાબર ડેરી દ્વારા પ્રથમ દિવસથી જ દસ હજાર લીટર ની ખરીદી કરાઈ છે પહેલી ડિસેમ્બરથી આંધ્રપ્રદેશમાં શરૂ કરાયેલી આ ખરીદી રેકોર્ડ બ્રેક હોય તે રીતે આગળ વધી રહી છે તેમજ ભાવની બાબતમાં પણ સાબર ડેરી દ્વારા સ્થાનિક પશુપાલકોને ઊંચા ભાવ અપાઈ રહ્યા છે જેથી આંધ્રપ્રદેશમાં પણ સાબર ડેરી દ્વારા હજુ વધુ ઉચ્ચ સ્થાન હાંસલ કરી શકે તેમ છે. જો કે સાબર ડેરી દ્વારા આંધ્રપ્રદેશમાં દૂધ ખરીદી કરવાના નિર્ણયને પગલે સ્થાનિક પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે જોવું એ રહે છે કે આગામી સમયમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે આંધ્રપ્રદેશમાં દૂધની ખરીદીનો નિર્ણય કેટલો નફાકારક બની રહે છે.