સાબરકાંઠા : ખેડબ્રહ્મા APMC માર્કેટયાર્ડમાં આગામી તહેવારોને લઈને ખેડૂતો પાકના વેચાણ અર્થે ઉમટી પડ્યા છે. અહીં અંદાજે 200 કરતા વધુ વાહનોની કતાર લાગી છે. ખેડબ્રહ્મામાં મુખ્યત્વે સોયાબીન, અડદ અને કપાસ જેવા પાકની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઇ છે. વેપારીઓની હરીફાઈને કારણે ખેડૂતોના ઉપજના મહત્તમ ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
જણસીના વેચાણ અર્થે ખેડૂત ઉમટ્યા : સાબરકાંઠાના ખેડબ્રહ્મા APMC માર્કેટયાર્ડમાં આગામી તહેવારોને ધ્યાનમાં લઇ ખેડૂતો અત્યારથી જ કપાસ, સોયાબીન અને અડદ સહિતના પાકના વેચાણ માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. તહેવારો નજીક હોવાથી હાલમાં ખેડૂતો મહામૂલા પાકનો યોગ્ય ભાવ મળે અને દિવાળીનો તહેવારો ઉજવી શકાય તેના અર્થે આશા બાંધીને બેઠા છે. ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ખેડબ્રહ્મા જિલ્લા વેચાણ સંઘ ખાતે આવી પહોંચ્યા છે. આ તકના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.
ખેડબ્રહ્મા APMC મુખ્ય કેન્દ્ર : સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કપાસ પાકના વાવેતરમાં વધારો થયો છે. જેના પગલે આ વર્ષે આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર થયા છે. જ્યાં તેમના માલ-સામાન અને પાકના ભાવ ઓછા આવતા હવે ખેડૂતો રોષે ભરાયા છે. હાલમાં 200 થી વધારે વાહનો APMC માર્કેટયાર્ડમાં હોવાના પગલે તેની હરાજી કરતા દોઢથી બે દિવસ લાગે છે. જેના પગલે પણ ખેડૂતોમાં વિરોધાભાસ જન્મ્યો છે. ઉલ્લેખનિય છે કે ખેડબ્રહ્મા APMC માર્કેટયાર્ડ વિજયનગર, પોશી અને ખેડબ્રહ્મા તાલુકાના ખેડૂતોના પાક માટેનું વેચાણનું મુખ્ય કેન્દ્ર છે.
ખેડૂતોની સરકાર પાસે આશા : ઉલ્લેખનિય છે કે, દિન પ્રતિદિન તેલીબિયાં સહિત કપાસ જેવા પાકના ભાવમાં ઘટાડો સર્જાતા હવે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. જોકે એક તરફ બિયારણ, દવા, રાસાયણિક ખાતર સહિત મજૂરી કામ મોંઘું થયું છે. તેમ છતાં પ્રતિવર્ષ બહાર પડતાં ભાવો પણ ઘટતા હવે આ વર્ષે ખેડૂતો રાજ્ય સરકાર પાસે વિશેષ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આ મામલે રાજ્ય સરકાર દ્વારા કેટલી અને કેવી સહાય જાહેર કરવામાં આવે તે પણ મહત્વનું બની રહે છે.