પાલનપુર: સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબર ડેરીના કર્મચારીઓ દ્વારા શનિવારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને 17 લાખથી વધુનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં સાબરડેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓએ પોતાના એક દિવસનો પગાર કોરોના કહેર અંતર્ગત CM રાહત નિધિમાં જમા કરાવ્યો છે. સાથોસાથ આગામી સમયમાં કોરોના વાઇરસ અંતર્ગત તમામ પ્રકારની સહાય આપવાની પણ ખાતરી આપી છે.
હાલમાં કોરોનાનો કહેર વધવાની સાથે અન્ય લોકોમાં સંક્રમિત થવાની સંભાવનાઓ પણ વધી રહી છે. તેમજ આઈસોલેટેડ કરવાની જરૂરિયાત પણ આગામી સમયમાં વધે તેવી છે, ત્યારે સાબરકાંઠાની સાબર ડેરી દ્વારા આ મામલે CM રાહત ફંડમાં રૂપિયા 17 લાખથી વધુની રકમ જમા કરાવી એક નવી પહેલ કરી છે. આ સાથે સહકારી સંસ્થાઓ પણ હવે આ મામલે જાગૃત બનતી હોય તેમ જણાઈ રહ્યું છે.
જોકે આગામી સમયમાં સાબર ડેરી દ્વારા કોરોના વાઇરસ અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવશે એ તો સમય બતાવશે.