હિંમતનગરઃ સાબરકાંઠામાં છેલ્લાં કેટલાય વર્ષોથી હજારો સાપને પકડી સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેતાં નિકુંજ શર્માનું માનવું છે કે સાપનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. સાપ એ ખેડૂત મિત્ર છે અને તેના થકી ઉંદર દેડકા સહિત અન્ય કેટલાય નાના-મોટા સરિસૃપોને કાબૂમાં રાખવાનું કામ સાપ દ્વારા થાય છે.
જો કે, ખેડૂતોની અજ્ઞાનતાના કારણે કેટલાક વર્ષોમાં સાપ ધીરે ધીરે ઘટી રહ્યાં છે. ત્યારે નાગપંચમીના દિવસે માત્ર નાગની પ્રતીમાનું પૂજન કરવું એનાથી પણ મોટી વાત એ છે કે નાગ કે સાપનું રક્ષણ કરવું જરૂરી છે. આજના તબક્કે મોટાભાગના મંદિરો તેમ જ જાહેર સ્થળો ઉપર કોઈપણ પ્રકારનો સરિસૃપ દેખાય તો તેને તાત્કાલિક ધોરણે લોકો દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવે છે. ત્યારે નાગ કે સાપને મોતને ઘાટ ઉતારતાં પહેલા કોઈપણ પશુપ્રેમીને જાણ કરવામાં આવે તો તેના દ્વારા સુરક્ષિત સ્થાને મૂકવો જરૂરી બને છે.
સામાન્ય રીતે કોઈપણ પ્રકારના સાપ માસાહારી હોય છે. જો કે, કેટલાક સમયથી ભૂખ અને તરસને કારણે કદાચ દૂધ જેવી વસ્તુ લઇ લે તો તેનું મોત થતું હોય છે. તેમ જ જ્યારે કોઈ પણ પ્રકારનો ઝેરી કે બિનઝેરી સાપ કરડે તો તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ પહોંચી તબીબી સારવાર લેવી જરૂરી છે. તાત્કાલિક ધોરણે લેવાયેલી સારવાર કોઈપણ પ્રકારના સર્પદંશમાંથી બચાવવા જરૂરી બની રહે છે.