સાબરકાંઠા: વિજયનગરના કેળાવ ગામ નજીકથી પસાર થતી હરણાવ નદીમાં ઘોડાપૂરના પગલે ગામમાં 10થી વધુ પશુઓના મોત થયા હતા. તેમજ ચાર દિવસ પહેલા લોકાર્પણ કરાયેલા ગ્રામ પંચાયતના તમામ કામો ધોવાઈ ગયા છે. સાથે સાથે નદી પરના બાંધેલો પુલ પણ જોખમકારક સ્થિતિમાં છે. તેમજ સ્થાનિક ખેડૂતોને વરસાદી પાણીના પગલે ઊભો પાક ધોવાઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
નદીમાં પાણી આવે તો સામાન્ય રીતે આસપાસના ખેડૂતો તેમજ સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ સર્જાય છે. પરંતુ, ક્યારેક-ક્યારેક વરસાદી પાણી વિનાશકારી બને તો સમગ્ર ગામ સહિતના વિસ્તારોમાં ભારે તારાજી સર્જે છે. વિજયનગરના કેળાવ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ચાર દિવસ પહેલાં બનાવેલા લાખો રૂપિયાના કામકાજ સહિત સમગ્ર વિસ્તારમાં હરણાવ નદીએ ભારે વિનાશ સર્જ્યો છે. બુધવારના રોજ સવારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે આ વિસ્તારમાં ઘોડાપુર આવતા 10થી વધુ પશુઓના મોત થયા છે. ઉપરાંત, સો હેક્ટરથી વધારેની જમીનમાં ઉભો પાક ધોવાઈ ગયો છે. ગ્રામ પંચાયત દ્વારા બનાવેલા કામો પણ સંપૂર્ણપણે તૂટી ચૂક્યા છે. જોકે, વરસાદી પાણીના પગલે નદી ઉપર બનાવેલો બ્રિજ પર સંપૂર્ણ રીતે નુકસાનગ્રસ્ત થયો છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગામમાં પહોંચી સ્થાનિક લોકોને સાથે રાખી બ્રિજ પર સમારકામ કર્યું છે.
સ્થાનિક લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે, અસરગ્રસ્ત ખેડૂતો આ મામલે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર પાસે સહાય અને સહકાર મળી રહે, તેમજ નુકસાન થયેલા વિસ્તારોમાં સર્વે કરી આર્થિક સહયોગની માગ કરી રહ્યા છે.