ખેડબ્રહ્મા: પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ રાઠોડનું એક લાંબી બીમારી બાદ અવસાન થયું છે. ભાગ્ય જ કોઈ એવા નેતા હશે જેમના અવસાન વખતે એમના પરિવારની હાલત આર્થિક રીતે નાજુક હોય. એક ધારાસભ્ય પદે હોવા છતાં પણ સાદગી ભર્યું જીવન જીવીને ખરા અર્થમાં લોકનેતાનું સ્થાન પામ્યા હતા. જેઠા રાઠોડ સાબરકાંઠાના પોશીના તાલુકામાં તેમના પૈતૃક ગામ ટેબડામાં રહેતા હતા. ચૂંટણીના સમયમાં જે તે સમયે તેમણે સાયકલ ઉપર પ્રચાર કરીને લોકોને મત આપવા માટેની અપીલ કરી હતી.
લાંબી માંદગી બાદ અવસાન: સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભા સીટ પર અપક્ષનાં ઉમેદવારી નોંધાવી અંતરિયાળ વિસ્તારમાં વિજ્ય પ્રાપ્ત કરેલ પુર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડનું લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. વર્ષ 1967 થી 1971 સુધી ગુજરાત વિધાનસભામાં સભ્ય રહી ચૂકેલા ધારાસભ્યને ગ્રામજનોએ અંતીમ વિદાઈ આપી હતી. વર્ષ 1967માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા તેમજ કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવનાર જેઠાભાઈ રાઠોડે અત્યાર સુધી રાજ્ય સરકારની કોઈપણ પ્રકારની સહાય મેળવ્યા વિના પોતાનુ તેમજ પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
સહાય મળી નથી: પુર્વ ધારાસભ્ય રહિ ચૂકેલા જેઠાભાઈ રાઠોડે રાજ્ય સરકારમાં અવાર નવાર રજૂઆતો કરી હોવા છતાંય આજદિન સુધી તેઓને કોઈપણ પ્રકારની સહાય મળી શકી નથી. ત્યારે પુર્વ ધારાસભ્ય તેમજ તેમનો પરિવાર આજેપણ રાશન કાર્ડ ઉપર પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ગુજારી રહ્યા છે. તેમજ સમગ્ર ગુજરાતમાં કદાચ એકમાત્ર પુર્વ ધારાસભ્ય રાશનકાર્ડ આધારિત જીવન ગુજારતા હોઈ તે કિસ્સો પ્રથમ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પોતે ગૂજરાત વિધાનસભામાં ધારાસભ્ય રહી ચૂક્યા હોવા છતાંય સરકાર તરફથી મળવાનાં થતાં લાભો થી આજેપણ પુર્વ ધારાસભ્ય તેમજ તેમનો પરિવાર લાભોથી વંચિત જોવા મળી રહ્યા છે.
"સામાન્ય રીતે આજની તારીખે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે જીત મેળવેલા વ્યક્તિને પણ પાંચ વર્ષમાં ગાડી બંગલા તેમજ લાખો રૂપિયા એકત્રિત કરી લેતા હોય છે. ત્યારે સતત પાંચ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા બાદ જેઠાભાઈ રાઠોડ એ તેમની વ્યક્તિગત મિલકતમાં એક પણ રૂપિયાનો વધારો કર્યો ન હતો. સાથોસાથ રાજ્ય સરકાર તરફથી કોઈપણ પ્રકારનો લાભ ન મળ્યો હોવા છતાં વિવિધ આંદોલનો કે દેખાવો કરી વ્યક્તિગત છાપ ઉપસાવવાનો પ્રયત્ન પણ ન કરતા સામાન્ય વ્યક્તિઓ જેવું જીવન જીવ્યા હતા"--રાજુભાઈ રાઠોડ,પૌત્ર
અધૂરી રહેલી આશા: જોકે એક તરફ રાજકીય સિદ્ધિને આર્થિક સિદ્ધિ માં બદલવાના પાયા રૂપ કામગીરી કરનારા આજના રાજનેતાઓ માટે જેઠાભાઇ રાઠોડ આદર્શ રાજકીય વ્યક્તિત્વ ગણાય. પરંતુ કળિયુગની વાસ્તવિકતા એ છે કે આજની તારીખે પણ ગુજરાત વિધાનસભાના સૌથી ઈમાનદાર ધારાસભ્યનું નિધન થયું હોવા છતાં રાજકીય આગેવાનોએ આજે પણ તેમનાથી દુરી રાખી છે. ત્યારે જોવાનું રહેશે કે તેમની અધૂરી રહેલી આશા અને અપેક્ષાઓ આગામી સમયમાં રાજ્ય સરકાર પૂરી કરે છે કે પછી હોતી હે ચલતી હે અપનાવી ભૂલી જશે.