સાબરકાંઠાઃ જિલ્લાના ખેરોજ વિસ્તારમાં વર્ષોથી ચાલતાં ખનન કૌભાંડનો સાબરકાંઠા જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં જિલ્લા પોલીસ એસ.ઓ.જી એલસીબી સહિત સ્થાનિક પોલીસે ગેરકાયદેસર ખનન કરનારા ભૂમાફિયાઓ સામે રેડ કરી ત્રણ હિટાચી મશીન તેમજ દસથી વધુ ટ્રક ઝડપી લેતા ખનન માફિયાઓમાં સન્નાટો છવાયો હતો.
સૌથી મહત્વની બાબત એ છે કે, આ અંગે વહીવટી તંત્ર દ્વારા આ ભૂમાફિયાઓને 2 કરોડ 60 લાખ જેટલો દંડ ફટકારતા સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદીમાં ગેરકાયદેસર ખનન કરનારા તત્વો વર્ષોથી સક્રિય છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ દ્વારા વ્યવસ્થિત રીતે ખનન કૌભાંડ આચર્યું હતું.
જો કે, સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે રેડ કરી એક સાથે 10 જેટલા ટ્રક તેમજ ત્રણ હિટાચી મશીન ઝડપી લેતા વહીવટી તંત્રે આ મામલે બે કરોડ 60 લાખથી વધારેની રેતી ચોરી હોવાનું ધ્યાને આવતા ભૂમાફિયાઓ સામે કાયદેસરની ફરિયાદ કરી રોયલ્ટી પેટે બે કરોડથી વધુની રકમની નોટિસ ફટકારતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.
જો કે, સાબરકાંઠા જિલ્લામાં આ સિવાય હજુ પણ મોટાભાગની નાની-મોટી નદીઓ સહિત વિસ્તારોમાં રેતી ચોરી યથાવત રીતે ચાલી રહી છે, ત્યારે જિલ્લા પોલીસ સહિત વહિવટી તંત્ર આ વિસ્તારોમાં પણ રેડ કરે તે ઇચ્છનીય છે.