હિંમતનગર નજીક આવેલા નવાનગર ગામમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે. ગામમાં 500થી વધુની વસ્તી સામે ૨૦થી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાયા હતાં. આરોગ્ય વિભાગના અધિકારીઓ માત્ર પર્યટણ સ્થાન સમાન આ ગામમાં આંટો મારવા આવતા હોય તેવુ દેખાય છે. ગામના સ્થાનિકોની માગ છે કે, જો વહીવટી તંત્ર દ્વારા ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ડેન્ગ્યુનો કહેર વધવાની સંભાવનાઓ છે.
આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છ પાણીના નિકાલ કરવા માટેની સૂચનાઓ સહિત ડેન્ગ્યુના રોગની માહિતી હજુ સુધી ગામડાઓ સુધી પહોંચાડવા મુખ્ય ઉણપ રહી છે. વહીવટી તંત્ર આ મુદ્દે પગલાં લેવાનું ચૂકી હોય તેમ જણાય છે. આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે કામગીરી કરે તેવી માગ કરવામાં આવી છે.
વહીવટી તંત્રએ આ મુદ્દે તદ્દન ઊલટું નિવેદન આપતા જણાવ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં 300 સેમ્પલ પૈકી 45 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. તાજેતરમાં હિંમતનગરના પીપળીયા ગામે 31 ડેન્ગ્યુના નોંધાયા બાદ આ ગામમાં 20થી વધુ કેસ હાલમાં સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો....ગતિશીલ ગુજરાત રોગચાળાના ભરડામાં, આ ગામમાં 31 ડેન્ગ્યુના કેસ નોંધાયા
સરકારી આંકડો માત્ર બે ગામના ગણવામાં આવે તો પણ ખોટા સાબિત થાય છે. સાબરકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કેસના કારણે જિલ્લાની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગીમાં સારવાર કરાવનારા દર્દીઓનો આંકડો વધુ હોવાની સંભાવના છે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 45 ડેન્ગ્યુના કેસ છે. બીજી તરફ ગામડા સહિત પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડેન્ગ્યુના દર્દીઓનો આંકડો ખુબ મોટો છે. આંકડાઓની માયાજાળ કરતા છેવાડાના વ્યકતિને ડેન્ગ્યુના ભરડામાંથી બહાર લઇ આવવા માટેના પ્રયાસો કરવા જરૂરી છે. સ્વચ્છ ગુજરાતની વાતો સાબરકાંઠા જિલ્લામાં પોકર સાબિત થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગતિશીલ ગુજરાતમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થઇ રહ્યો છે. અગાઉ હિંમતનગરના પીપળીયા ગામમાં 31 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતાં. જ્યારે હવે હિંમતનગરના જ નવાનગર ગામમાં 20થી વધુ કેસ નોંધાયા છે.