સાબરકાંઠાઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ વિવિધ વિપક્ષી પાર્ટીઓ કરી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ આ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત કલેક્ટર ઓફિસની બહાર દેખાવ પણ કર્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણેય કૃષિ બિલને આમ આદમી પાર્ટીએ ખેડૂત વિરોધી ગણાવ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ કાયદો પરત ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

કેન્દ્ર સરકાર કોઈ પગલા નહીં લે તો રાજ્યવ્યાપી વિરોધ કરવાની પણ રજૂઆત કરી હતી. જોકે, વિવિધ આંદોલન અને રજૂઆતની સાથોસાથ કેન્દ્ર સરકારે આ કાયદાની ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરતા કહ્યું કે, વિરોધાભાસ વચ્ચે ખેડૂતો માટે બનાવાયેલા આ કાયદો કેટલી સફળતા અપાવે છે તે આગામી સમય જ બતાવશે.