હિંમતનગરઃ ઇડર ખાતે છેલ્લા કેટલાક સમયથી ભારતીય બીજ નિગમ તેમજ ગુજરાત સરકાર પાસે બીજ વિતરણ કેન્દ્રની પરમિશન માગવામાં આવી હતી. જોકે ઇડર ખાતે પ્રમાણિક કરાયેલા બીજ કેન્દ્રની પરવાનગી મળતા ઇડર સહિત સમગ્ર જિલ્લા માટે પ્રમાણિત બિયારણ મેળવવા ખેડૂતોની લાંબી કતારો લાગે છે.
કહેવત છે કે, જેનું બીજ બગડે તેનું વર્ષ બગડે અને દર વર્ષે આ કહેવત અનુસાર લેભાગુ અને સ્થાનિક એજન્ટો દ્વારા ખેડૂતોને નકલી બિયારણ પધરાવી પોતે માલેતુજાર બને છે અને જગતનો તાત રાતા પાણીએ રડવાનો વારો આવે છે, ત્યારે સરકાર દ્વારા ઇડર ખાતે સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ અંતર્ગત પ્રમાણિત કરાયેલા બીજનું વેચાણ કેન્દ્ર મળતા હવે જિલ્લાના ખેડૂતો સરળતાથી પોતાનું બિયારણ મેળવતા થયા છે. હાલમાં ઇડર તેમજ આસપાસ વિસ્તારના 1500થી વધારે ખેડૂતો માત્ર મગફળીનું બિયારણ મેળવી ચૂક્યા છે. તેમજ આગામી સમયમાં સમગ્ર વિસ્તાર સહિત જિલ્લાના છેવાડાના વ્યકતિને પણ વ્યાજબી ભાવે સબસીડી સાથેનું બિયારણ આપવા સ્થાનીય વહીવટીતંત્ર આશાવાદ રાખી રહ્યું છે.
જો કે, ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોને ઇડર ખાતે પ્રતિ હેક્ટરે 40 કિલો મગફળીનું બિયારણ મળવાની શરૂઆત થઇ ચૂકી છે. તેમજ 1500થી વધારે ખેડૂતોને આ જ સિઝનમાં બિયારણ પહોંચાડી દેવાયું છે. તેમજ અન્ય સોયાબીન સહિતના જરૂરી બિયારણ પણ આપવાની શરૂઆત થઈ ચુકી છે .જોકે ઘર આંગણે સસ્તા ભાવે સરળતાથી સરકાર દ્વારા પ્રમાણિત કરાયેલા બીજ મળતા ખેડૂતોએ ખાનગી એજન્સીઓ પાસે જવાનું ટાળ્યું છે, તેમજ સબસીડી સાથેના બિયારણ કરવાને પગલે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
સામાન્ય રીતે સબસીડી સાથેના બિયારણ મેળવવા માટે સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ દ્વારા માત્ર ખેડૂતોનાં 7 12, 8અ ના ઉતારા આપવાથી સબસીડીની રકમ કાપી બાકી નીકળતી રકમ આપીને મગફળી સહિતના બિયારણ મેળવી શકાય છે. જેના પગલે સ્થાનિક ખેડૂતોમાં ઉલ્લાસનો માહોલ સર્જાયો છે. જોકે આવું પ્રયાસ ગુજરાતના તમામ તાલુકા મથકે થાય તો ખેડૂતોને પ્રમાણિત બીજ મેળવવામાં સરળતા મળી શકે તેમ છે.