આમ તો કવિવર ઉમાશંકર જોશીના જન્મ જયંતીની ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવતી રહી છે. પરંતું તેમનું વતન સાબરકાંઠાના હિંમતનગરના બામણા ખાતે આવેલો વિસરાતો જતો વારસો હાલમાં બિસ્માર હાલતમાં છે. જેમાં કવિશ્રીનું મકાન ખંડિત થઈ ચૂક્યું છે. પણ તેમ છતા વિસરાતો જતો તેમનો આ અમૂલ્ય આ વારસો સ્થાનિકો સહિત સાહિત્ય પ્રેમીઓનું આશ્રયસ્થાન બની શકે તેમ છે.
ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખકનો આજે જન્મ જયંતી છે. જેમણે સાહિત્ય ક્ષેત્રે ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં મહત્વનું યોગદાન આપ્યું છે. અને. જેમને ઇ.સ 1967માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન પર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. જેને કારણે તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. ઉમાશંકર જોશીએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યુ છે.
ઉમાશંકર જોશીનો અભ્યાસ
ગુજરાતના આવા સન્માનનિય કવિની જીવનની શરૂઆતનો દૌરની જો વાત કરવામાં આવે તો ઉમાશંકર જોશીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં આવેલી સરપ્રતાપ હાઇસ્કૂલ ખાતેથી પ્રાપ્ત કર્યુ હતું. તેઓએ સરપ્રતાપ હાઈસ્કૂલમાં 1921 થી 1927 દરમિયાન અભ્યાસ કર્યો હતો. એમ કહેવાય છે કે, આ આ સમયગાળો તેમના જીવનનો મહત્વનો કાર્યકાળ સાબિત થયો હતો. તો આ અંગે ઉમાશંકર જોશીએ પણ ઇડરમા કરેલા અભ્યાસની પોતાની "આત્મ વૃતાંત" માં નોંધ કરી છે. તેમજ જીવન ઘડતરનો મહત્વનો પાયો ગણાવ્યો છે. વર્ષ 19278માં ઉમાશંકર જોશીએ અમદાવાદમાં ગુજરાત કૉલેજથી મેટ્રિક પાસ કર્યું હતું જે બાદ તેઓ 1936માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે B.A થયા તો વર્ષ 1938માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કૉલેજમાંથી M.A પ્રથમ વર્ગમાં સાથે ઉત્તીર્ણ કર્યુ હતું.
કવિ ઉમાશંકર જોશીની પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ
ઉમાશંકર જોશીને 1967માં જ્ઞાનપીઠ પુરસ્કાર તેમજ 1949માં નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય 1939માં રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. કવિ ઉમાશંકર જોશી 1965માં નેશનલ બુક ટ્રસ્ટના સભ્ય પદ સંભાળ્યું હતું. તો આ સાથે જ વર્ષ 1966માં કેન્દ્રીય સલાહકાર સમિતિના સભ્ય બન્યા હતા. તેમજ 1968માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા. તો આ સાથે જ તેઓ સાહિત્ય અકાદમી એવોર્ડના પ્રમુખ પણ બની ચૂક્યા હતા. વર્ષ 1970 થી 1976ના સમયગાળા દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. ઉમાશંકર જોશીએ વિશ્વભારતી યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિના પદ સહિત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા. તો વર્ષ 1978 થી 1982 સુધી દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ પદે રહી કાર્યભાર પણ સંભાળ્યો હતો.
જો કે આવું વિરલ વ્યક્તિત્વ ધરાવનાર સ્વર્ગસ્થ ઉમાશંકર જોશીનું મકાન આજની તારીખમાં ખુબ જ દયનિય હાલતમાં છે. જે અંગે રાજ્ય સરકાર કોઇ પણ જાતના પગલા લેતી નથી. સાહિત્ય ક્ષેત્રે વિશ્વભરમાં નામ પરંતુ પોતાના જ વતનમાં આવેલું મકાન બિસ્માર બની ચુક્યું છે. જો કે સ્થાનિકોના મતે ઉમાશંકર જોશીના મકાનને કલા સાહિત્ય રસિકો માટે જો જાળવણી કરવામાં આવે તો આગામી સમયમાં સ્થાનિક ગ્રામજનો સહિત સમગ્ર જિલ્લા માટે ગૌરવભર્યું અને સ્થાન બની શકે તેમ છે. સમગ્ર ગુજરાતમાં નામના મેળવનારના વતનમાં આવેલા મકાન હાલ જર્જરિત થઈ ચૂક્યું છે. જો સત્વરે સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં કરે તો, આવનારી પેઢી ઉમાશંકર જોશીને વિસરી જાય તો નવાઈ નહીં.