સામાન્ય રીતે કોઈપણ નદીમાં પૂર આવવા માટે ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ જરુરી હોય છે. જો કે, ઈડર તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલી નદીમાં આજે બપોર પછી અચાનક ઘોડાપૂર આવ્યું હતું. જેના લીધે કાંઠા વિસ્તારના તમામ ગામડાંઓ સાવચેત બન્યા હતા. તેમજ ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે અચાનક ભેસકા નદીમાં ઘોડાપુર આવતા ઉપરવાસમાં ભારે વરસાદ થયા હોવાનું અનુમાન છે.
જો કે, ડિઝાસ્ટર વિભાગનું માનવામાં આવે તો અત્યાર સુધીમાં માત્ર એક ઇંચ જેટલો વરસાદ ગણાવાઈ રહ્યો છે.જો કે, વિજયનગર ,ભિલોડા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભેસકા નદી બે કાંઠે વહેતી થઇ હતી. જેના પગલે ગુહાઇ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક થશે તે માનવું રહ્યું જો કે, હજુ સુધી આ નદીમાં માત્ર બે વખત જ પાણી આવ્યું છે. ત્યારે હજુ ભારે વરસાદના પગલે નદી વહેતી થાય તો સમગ્ર વિસ્તારમાં સિંચાઈ અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
આજે આવેલા પાણીથી ગુહાઇ જળાશયમાં ફેરફાર થવાની પૂરી સંભાવના છે.જો કે, આટલા પાણીથી તે ભરાય એ શક્ય નથી. ત્યારે આગામી સમયમાં ગુહાઈ જળાશયમાં ઘઊંવાવ નદીનું પાણી આવે તો સ્થાનિક જનતા તેમજ જગતના તાતને સમગ્ર વર્ષ દરમિયાન પાણીની ખેંચ ઊભી નહીં થાય તે હકીકત છે. જો કે, આટલો વરસાદ તેમજ પાણી ક્યારે આવશે એ તો હવે સમય જ બતાવશે.