સાબરકાંઠા: ઈડર નગરપાલિકામાં ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ તેમજ ખાનગી કોન્ટ્રાકટર વચ્ચે પૈસાની લેતી-દેતીની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેના પગલે સમગ્ર શહેરમાં ખળભળાટ સર્જાયો હતો. સાબરકાંઠા જિલ્લાના ઇડર નગરપાલિકામાં એસી લાખથી વધારેના ખર્ચે બ્યુટીફીકેશન સેન્ટર બનાવાયું હતું.
અહીં બ્યુટીફીકેશન સેન્ટર બનાવવા પાછળ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા ચીફ ઓફિસર અને ખાનગી કોન્ટ્રાકટર વચ્ચે ભ્રષ્ટાચાર આચરવાના મામલે પૈસાની લેવડદેવડ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ખાનગી કોન્ટ્રાકટર પાસે રૂપિયા 3 લાખની લેવડ-દેવડની વાત કરતા હોવાની વાતચીત વાઈરલ થઈ હતી. જેના પગલે સમગ્ર ઇડર નગરપાલિકા સહિત સાબરકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચારની ઓડિયો ક્લિપ વાયરલ થતા ભારે ખળભળાટ સર્જાયો હતો.
જો કે, ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ઇડર એસ.ડી.એમ. કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આ મુદ્દે પગલાં ભરવાની રજૂઆત કરી હતી. આ મુદ્દે કોઇ ચોક્કસ પગલાં ન લેવાય તો આગામી સમયમાં ધરણાં પ્રદર્શન સહિત ઇડર બંધ કરાવવાની ચીમકી પણ આપી છે.
સોમાવારે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રાંત કચેરી ખાતે ધરણાં પ્રદર્શન યોજાયું હતું. તેમજ આ મામલે આગામી સમયમાં ઠોસ પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આગામી સમયમાં પગલાં ભરવામાં આવે તો શહેરની બંધ કરાવવા સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.