સાબરકાંઠા : ઇડર ગઢ વિસ્તારમાં તાજેતરમાં એક દીપડો પાંજરે પુરાયા બાદ સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો. જો કે, ગત મોડી રાત્રે વધુ એક દીપડો CCTV કેમેરામાં કેદ થતાં સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે, હજુ સુધી વનવિભાગ દ્વારા આ મુદ્દે કોઇ ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
ઈડર ગઢ વિસ્તારમાં એકથી વધુ દીપડા હોવાનું સ્થાનિકોએ ઘણી વખત રજૂઆત કરી છે. જો કે, વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં એક દીપડો હોવાની વાતને વારંવાર દોડાવવામાં આવતી હતી. જે આજે ખોટી સાબિત થવા પામી છે. સ્થાનિક છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં વધુ દીપડા હોવાની વાત કરતા આવેલા છે. ત્યારે ગત મોડી રાત્રે વધુ એક દીપડો CCTVમાં કેદ થતાં સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ સર્જાયો છે. જો કે, હજુ સુધી આ વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ પર હુમલો થયો નથી. તેવા સમયે જ દીપડો પાંજરે પુરવા જરૂરી છે.
ત્યારે આગામી સમયમાં સ્થાનિક વિસ્તારમાં પશુપાલકો તેમજ સ્થાનિક વસવાટ કરનારા લોકો માટે પણ આ દીપડો જાનનું જોખમ સાબિત થઈ શકે તેમ છે. ત્યારે વનવિભાગ આ મુદ્દે આગામી સમયમાં ઠોસ કાર્યવાહી કરે તે જરૂરી છે. જો કે, વનવિભાગ ક્યારેય કેવા પગલાં ભરે છે. તે પણ મહત્વનું બની રહે છે.