સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે બેંક ઓફ બરોડાના 113મા સ્થાપના દિન નિમિત્તે આરસેટી તાલીમ સંસ્થામાં જિલ્લા સમાહર્તા સી. જે. પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 113 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા ક્લેક્ટર સી. જે. પટેલે વૃક્ષારોપણ કરી નાગરિકોને તેનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, વૃક્ષો સંતો જેવા છે જે હંમેશા અન્યને આપવા તત્પર હોય છે. વૃક્ષો પશુ-પક્ષીઓનું રહેઠાણ છે, તેમને ખોરાક પુરો પાડે છે. વૃક્ષો ઓક્સિજન અને વરસાદ આપે છે. વૃક્ષો ઘટવાથી વરસાદ ઓછો પડી રહ્યો છે અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધી રહ્યું છે. જેના લીધે ઋતુઓમાં ફેરફાર થઈ રહ્યા છે. જે માનવ જાતિ માટે સંહારક છે.
દરેક નાગરિક પોતાની ફરજ સમજી વૃક્ષો વાવે અને તેનું જતન કરી આવનારી પેઢીને સારુ અને સ્વચ્છ પર્યાવરણ આપે.
આ પ્રસંગે બેંક ઓફ બરોડા સાબરકાંઠા ક્ષેત્રના રાજકુમાર મહાવર, રિજનલ મેનેજર બી એસ ભાટી, ડે. રિજનલ મેનેજર ઓ.પી વિરેન્દ્ર સિંહ, ડે. રિજનલ મેનેજર સંજય કબાડ, રિજનલ મેનેજર, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક નવલ ક્ન્નોર, ડીડીએમ નાબાર્ડ હરેશ પટેલ, એલ ડી એમ અરવલ્લી દેવીસિંહ જાતવ, નિયામક આરસેટી અને લીડ બેન્ક મેનેજર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સાબરકાંઠા તરફથી રાજેન્દ્ર ગોહિલ તથા બેંક ઓફ બરોડાના સાબરકાંઠા ક્ષેત્રના અધિકારીઓ અને આરસેટી સંસ્થાના કર્મચારીગણ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.