- રાજકોટ જિલ્લાના ગોંડલની ઘટના
- પત્ની અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી યુવાને કરી આત્મહત્યા
- સ્યૂસાઈડ નોટને આધારે પોલીસે હાથ ધરી કાર્યવાહી
ગોંડલ: શહેરના રામજી મંદિર ચોકમાં રહેતા કુલદીપ વિનોદભાઈ પોરિયાએ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની ઘટના શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. બનાવની જાણ થતાં PSI આર.ડી. ચૌહાણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્યૂસાઈડ નોટ કબજે કરી હતી. સ્યૂસાઈડ નોટમાં મૃતકે લખ્યું હતું કે, 'તેની પત્ની અને તેના પરિવારજનો મૃતક યુવાનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જેથી કંટાળી જઇને તેણે અંતિમ પગલું ભર્યાનું જણાવ્યું હતું.
બનાવ અંગે મૃતકના માતાએ પોતાના પુત્રની આત્મહત્યા માટે તેની પત્ની, તેના સાસુ અને સસરા તેમજ સાળા, સાળાના સસરા સામે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલસે IPCની કલમ 306, 114 મુજબ ગુનો દાખલ કરી કુલદીપને આત્મહત્યા માટે મજબૂર કરવા તેની પત્ની અને તેના પરિજનોની અટકાયત કરી તમામનો કોવિડ ટેસ્ટ કર્યા બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.