રાજકોટઃ ગોંડલના વોરકોટડા રોડ પંચપીરની ધાર પાસે અને જેતપુરમાં રહેતા 150 જેટલા જીરુંના ભુસાનું કામ કરતા શ્રમિકો લોકડાઉનના કારણે પોરબંદરના મિયાણી ગામે ફસાયા હતાં. સાંસદ રમેશભાઈ ધડુંકની મદદથી પરત ઘરે પહોંચ્યા હતાં.
જીરુંના ભુસાનું કામ કરતા શ્રમિકો પરિવારજનો સાથે સૌરાષ્ટ્ર ભરમાં ફરી ખરીદી અને વેચાણ કરી ઘર ગુજરાન ચલાવતા હોય છે. તેઓ મિયાણી પાસે ફસાયા હોવાની જાણ દેવીપૂજક સમાજના આગેવાન ખીમજીભાઈ સોલંકીને થતા સમગ્ર મામલો પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુંક પાસે પહોંચ્યો હતો. તેઓ દ્વારા ગોંડલથી લઈ પોરબંદર સુધીના સરકારી તંત્રને ઘંઘણાવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર તન્ના, SP પાર્થરાજસિંહ ગોહિલ, ભાનુસ્વામી, પંકજભાઈ મજેઠીયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ મિયાણા સહિતનાઓએ મદદ કરી હતી.
મંજૂરી મળી જતા સાંસદ રમેશભાઈ ધડુંક દ્વારા ત્રણ બસની વ્યવસ્થા કરી ગામ પરત લાવી મેડિકલ ચેકઅપ કરવી ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. શ્રમિક પરિવારજનોમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતાં.