રાજકોટ: ઉપલેટામાં કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીદેવ ચૌધરી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે બચાવ રાહત કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. સંભવિત વાવાઝોડાના પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એન.ડી.આર.એફ.(15 જવાનો) તથા પી.આર.એફ (18 જવાનો)ટીમ આવી પહોંચી હતી. મામલતદાર કચેરી ખાતે એન.ડી.આર.એફ. ટીમ સાથે આગામી સમયના બચાવ રાહત કાર્ય માટેની સમીક્ષા બેઠક ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
અધિકારીઓને સૂચન કર્યાઃ ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય ડૉ મહેન્દ્ર પાડલિયાએ વીજળી, દવા, પાણી સહિતની તમામ વ્યવસ્થા સ્થળાંતરિત ને મળે તે સુનિશ્ચિત કરવા, જાનમાલને હાની થાય તેવા હોર્ડિંગ્સ બેનરો ઉતરાવી લેવાની સૂચના આપી હતી. આ ઉપરાંત રાહત બચાવની કામગીરી અંગે સાબદા રહેવા અધિકારીઓને તેમને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે રાજકોટ કલેકટર પ્રભવ જોશી, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, ધોરાજી પ્રાંત અધિકારી ધોરાજી, ડી.વાય.એસ.પી. જેતપુર, મામલતદાર ઉપલેટા, પી.આઈ. ઉપલેટા, ટી.ડી.ઓ. ઉપલેટા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
એરપોર્ટ પર ટીમ સ્ટેન્ડ ટુ: આ ઉપરાંત ધારાસભ્ય કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાવાઝોડા સંદર્ભે માર્ગદર્શન મેળવ્યુ હતું. ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે વાવાઝોડા સંદર્ભે હોસ્પિટલની મુલાકાત કરી આગામી સમય માટે સુવિધા માટે સજ્જ કરાઈ હતી.એન.ડી.આર.એફ. ના 15 જવાનો સાથે બે હેલિકોપ્ટર રાજકોટ એરપોર્ટ ખાતે સ્ટેન્ડ બાયમાં રખાયા છે.
વ્યવસ્થા કરવામાં આવી: રાજકોટ જિલ્લાના કોઈપણ તાલુકા તથા આસપાસના જિલ્લામાં ઊભી થનાર સંભવિત આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તરફથી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. બીપોરજોય વાવાઝોડાની રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા તથા જેતપુર તાલુકા માં ઉભી થનારી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ નો સામનો કરવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની સહાય માટે આ હેલિકોપ્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેવી પણ વિગતો સામે આવી છે.