રાજકોટ: રાજકોટના ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસેનો સિંચાઈ યોજના નંબર 103 ઉમિયા સાગર ડેમ સો ટકા ભરાઈ ગયો હોવાથી ડેમનો એક દરવાજો સાંજે સવા છ વાગ્યે 0.33 ફુટે ખોલવામાં આવ્યો છે. તેમ જણાવ્યું છે. જેમાં ડેમમાં હાલ 274 ના ક્યુસેક પ્રવાહની આવક છે. એવું તંત્રના એક રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે.
તંત્ર દ્વારા સૂચના: ઉમિયા સાગર ડેમના જળાશયની ભરપૂર સપાટી 71.05 મીટર છે. અને હાલની સપાટી 69.5 મીટર છે. આથી આ ડેમની હેઠવાસમાં આવેલા રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના હરિયાસણ, ચરેલીયા, ખારચીયા (શહીદ), રાજપરા, રબારીકા અને જાળ સહિતના નદી કાંઠાના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.જે રીતે ગુજરાત સહિત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળી રહી છે.
જળ સપાટી વટાવી: ઉપલેટા નજીક આવેલો ઉમિયા સાગર ડેમ પણ ભારે વરસાદને કારણે પોતાની જળ સપાટી વટાવી ચૂક્યો હતો. સો ટકા ભરાઈ જતા ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા ઉપલેટા તાલુકાના ઉમિયા સાગર ડેમના હેઠવાસના વિસ્તારમાં આવતા તમામ ગ્રામ્ય વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લોકોએ નદીના પટમાં ન જવા માટેની પણ પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે.
ડુંગર પર ધોધમાર: ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ ડુંગર પર સ્વયંભૂ શ્રી ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પર્યટક સ્થળમાં પણ તેમનો સમાવેશ થાય છે.અહિયાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. ત્યારે હાલ કમોસમી વરસાદ વરસતા ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો હતો. અહિયાં ચોમાસાની જેમ આ ધોધ વહેતા લોકો જોવા અને તેમની મજા માણવા ઉમટી પડ્યા હતા.