- ગોંડલ માર્કેટ યાર્ડમાંથી કાળા તલની ચોરી કરનારા ઝડપાયા
- પોલીસે સાળો- બનેવીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડયા
- વધુ માલની ચોરી કરવાની લાલચે ફરી ચોરી કરવા આવતા ઝડપાયા
રાજકોટઃ જિલ્લામાં ગોંડલ માર્કેટ યાર્ડમાંથી રવિવારની રાત્રે સવા બે લાખની કિંમતના 74 મણ કાળા તલની ચોરીની ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તથા યાર્ડના સત્તાધીશોના સતર્કતાના કારણે ચોરી કરનારા સાળો બનેવી અમીર યુનુસભાઇ અગવાન તેમજ ઈમ્તિયાઝ સટારભાઈ ચુડેસરાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર અને 74 મણ તલ પણ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય યાર્ડમાં પણ કરી હતી ચોરી
ચોરી કરનારા બન્ને શખ્સોની ઇક્કો કાર મેઈન ગેટમાંથી જ્યારે પસાર થઈ ત્યારે CCTVમાં કેદ થઈ હતી. યાર્ડમાં પડેલા ટ્રકની આડે ઇક્કો કાર રાખી જેથી કરીને CCTV માં કેદ ના થાય એ પ્લાને કાળા તલની ચોરી કરી હતી. એક વખત ચોરી કરી બાબરા ચોરીનો માલ પહોંચાડી વધુ ચોરીના માલ ભરવાની લાલચમાં ફરી પાછા ગોંડલ માર્કેટ યાર્ડ માં આવતા સાળો બનેવી બન્ને ઝડપાયા હતા. પોલિસ તપાસ દરમીયાન સાળા અને બનેવીએ રાજકોટ, બાબરા, જસદણ, અને બોટાદ યાર્ડમાં પણ ચોરી કરી ચુક્યાં છે.