પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ
- પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતનાઓએ આપી શ્રદ્ધાંજલિ
- ગોંડલમાં આગેવાનો દ્વાર કેશુભાઈ પટેલની પ્રતિમા મુકાશે
- કેશુભાઈ પટેલ ભાજપમાંથી પ્રથમ ગોંડલ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાયા હતા
રાજકોટઃ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ભાજપના પાયાના પથ્થર કહેવાયા છે. સ્વતંત્ર ભાજપ પક્ષની સ્થાપના થયા બાદ કેશુભાઈ પટેલ ભાજપમાંથી પ્રથમ ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા અને 15,000 કરતા વધું મતથી વિજય મેળવ્યો હતો. કેશુભાઈ પટેલનો ગુજરાતમાં ભાજપનો મજબૂત પાયો નાખવામાં મોટો ફાળો છે, ત્યારે ગોંડલ જેલ ચોકમાં પટેલ વાડી ખાતે કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
સર્વે સમાજના આગેવાનો, શહેરીજનો દ્વારા કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતા એવા કેશુભાઈ પટેલનું તાજેતરમાં જ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે, ત્યારે તેમના સમર્થકો અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઇ છે. જેના ભાગરૂપે ગોંડલમાં પોરબંદર સાંસદ રમેશ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોક પીપળીયા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન ગોપાલ શીંગાળા અને સર્વે સમાજના આગેવાનો, શહેરીજનો દ્વારા કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.