રાજકોટ : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરને પોપટપરા વિસ્તારમાં આવેલી મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા બોર્ડર વિંગના જવાન સવાઈસિંહ હાલાજી સોઢા નામના 55 વર્ષીય આધેડનું મોત થયું છે. તેઓ મૂળ નખત્રાણાના છે અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટ મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા હતા. જ્યારે તેમને ફરજ બજાવતા સમયે હાર્ટઅટેક આવાની ઘટના આવી હતી અને તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.
જિલ્લા હાર્ટઅટેકથી 3 ના મોત : રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં આવેલા અમૃત સોસાયટીમાં રહેતા 44 વર્ષીય જયેશ ઝાલાવાડીયા નામના વ્યક્તિનું પણ હાર્ટ અટેકથી મોત થયું છે. તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેવામાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ એક શ્રમિકને ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો હતો જેમાં તેમનું મોત થયું છે.
હાર્ટઅટેકનું કારણ શું હોઇ શકે : રાજ્યમાં કોરોના બાદ સતત નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ માની રહ્યા છે કે હાલના યુવાનોમાં અનિયમિતતા વધુ જોવા મળી રહી છે. જ્યારે ખોરાકમાં પણ ફાસ્ટફૂડનો વધારે પડતો ઉપયોગ અને વધારે પડતા માનસિક તણાવના કારણે નાની વયના લોકોમાં હાર્ટઅટેક આવી રહ્યા છે. ત્યારે હાલ નવરાત્રિનો તહેવાર શરૂ છે. તેવામાં રાજકોટમાં ત્રણ લોકોના હાર્ટઅટેકથી મોત થયાની ઘટના સામે આવ્યા બાદ ચકચારમાંથી જવા પામી છે.