રાજકોટ : રાજકોટની ભાગોળે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 10-12 દિવસથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. રાજકોટના વાગુદડ, કણકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મુંજકા ગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા થઈ રહ્યા છે. એવામાં વન વિભાગે એલર્ટ થઈ અને છેલ્લા દસેક દિવસથી દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે હજુ પણ આ દીપડો પાંજરે પુરાયો નથી. જેને લઈને કણકોટ, વાગુદળ અને મુંજકા ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
દીપડાને પકડવા કવાયત : આ સમગ્ર મામલે મદદનીશ વન અધિકારી એસ.ટી. કોટડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દીપડાને પકડવા માટે અત્યારે અમે ત્રણ પિંજરા મૂક્યા છે. જેમાં એક ન્યારી ડેમ નજીક છે, આ સાથે જ કાલાવડ રોડ ઉપર જ્યાં એક શ્વાનનું મારણ થયું છે તે વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મૂંઝકા ગામ નજીકના વિસ્તારમાં પાંજરા મુકવામાં આવ્યા છે.
દીપડાના આંટાફેરાનું કારણ : એસ.ટી. કોટડીયાએ વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે શિયાળાની ઋતુ આવે તે દરમિયાન જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓની મૂવમેન્ટ વધારે જોવા મળતી હોય છે. તેઓ ખોરાક અને શિકારની શોધમાં ધીમે-ધીમે સેફ ઝોન તરફ આગળ વધતા શહેરી વિસ્તારની નજીક પહોંચી જતા હોય છે. જ્યારે વન વિભાગે લોકોને પણ અપીલ કરી છે કે તેઓ ગભરાય નહીં અને કોઈ પણ અફવા ફેલાવે નહીં. જો ખરેખર તેમને દીપડાની જાણ થાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરે.
ગ્રામજનોએ આપેલી માહિતી અને અમે ઘટનાસ્થળે જઈને ફૂટ માર્કની તપાસ કરી તેના પરથી આ પગલાં ખરેખર દીપડાના હોય તેવું લાગ્યું છે. પરંતુ હજુ સુધી અમારી ટીમને દીપડો જોવા મળ્યો નથી. લોકોને અપીલ છે કે ગભરાય નહીં અને કોઈ પણ અફવા ફેલાવે નહીં. જો ખરેખર તેમને દીપડાની જાણ થાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરે. -- એસ.ટી. કોટડીયા (મદદનીશ વન અધિકારી, રાજકોટ)
જનતા જોગ અપીલ : સ્થાનિક રહીશોને તકેદારી અંગે સૂચન કરતા વન અધિકારીએ જણાવ્યું કે, આ દીપડો જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી ખેડૂતો અને માલધારીઓએ તકેદારી રાખવી જોઈએ. જેમાં તેઓએ પોતાના ઢોરને ખુલ્લી જગ્યામાં રાખવાનું બંધ કરવું જોશે. આ સાથે જ ખેડૂતો જ્યારે રાત્રી દરમિયાન ખેતરમાં હોય તો અગ્નિનો ભઠ્ઠો શરૂ રાખવો જોઈએ, જેનાથી દીપડો તેમની નજીક આવશે નહીં. આ સાથે જ જો કોઈ નોનવેજ સહિતની વસ્તુઓ બનાવી હોય તો તેનો કચરાનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી દીપડો તેમની આસપાસ આવશે નહીં.
દીપડાની ઉંમર : વન વિભાગના કર્મચારીઓની તપાસમાં સામે આવ્યું છે કે દીપડાની ઉંમર અંદાજિત 3 થી 4 વર્ષની છે. તેમજ આ દીપડાની વધુ પડતી મૂમેન્ટ વાગુદળ, કણકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુંજકા વિસ્તારમાં જોવા મળી છે. આ સિવાય દીપડો અન્ય કોઈ વિસ્તારમાં જોવા મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજકોટ જિલ્લાના ગોંડલ અને જસદણ સહિતના વિસ્તારોમાં સિંહ જોવા મળ્યા હતા. પરંતુ આવું પ્રથમ વખત બન્યું છે કે કોઈ દીપડો રાજકોટ નજીકના વાગુદળ, મુંજકા અને કણકોટ ગામમાં આવી ચડ્યો છે.