રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણીના અરડોઈ ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પાસે ગાડામાં એક પ્રસૂતાને લઈ આવ્યા હતા. હાલત ગંભીર જણાતા માતા અને બાળક બંનેની સ્થિતિ ન જોખમાય તે માટે ગાડામાં જ પ્રસૂતિ કરાવાઈ હતી. ખેતી વાળી સીમ વિસ્તારમાં રહેતા શ્રમિક મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા સીમમાં જ પ્રસૂતિ કરવાનો પ્રયત્ન કરાયો હતો.
જો કે, બાળક અડધું ફસાઈ જતા હાલત ગંભીર બની હતી. પરિવાર ગુજરાત બહારનો હતો તેમની પાસે ફોન પણ ન હતો અને ત્યાં કોઈ સ્થાનિક નાગરિકે સરકારી દવાખાનને જવાનું જણાવ્યું એટલે તુરંત માતાને ગાડામાં બેસાડી પરિવારના ભાઈ ગાડું ચલાવીને આવ્યા તેમનો પરિવાર સાંજે 5 કલાકે ગાડામાં મહિલાને લઈ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પહોંચ્યા ત્યાં હાજર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. હર્ષ આચાર્ય સ્થિતિ જોતાં જ સમજી ગયા કે જરા પણ હલનચલન થઈ તો જીવને જોખમ છે. તેથી ગાડામાં જ ડોક્ટરે મહિલાની પ્રસૂતિ કરાવી હતી તેમજ પ્લેસેન્ટા પણ આખી બહાર કાઢી હતી.
આ સમયે ડોકટર એકલા જ હતા તેથી આશાવર્કરને તુરંત બોલાવીને બાળકને સાફ કરી માતાને સોંપ્યું હતું અને અડધી જ કલાકમાં પ્રસૂતિ કરાવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોકલી દેવાયા હતા. વધુમાં ડો. હર્ષ આચાર્યએ જણાવ્યું હતું કે, 48 વર્ષે આવી સ્થિતિ માતા અને બાળક બંને માટે જોખમી બની શકે છે. આ પરિવાર હજુ થોડા દિવસો પહેલા જ અરડોઈ ગામમાં આવ્યું હતું.