રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મનપાની ચૂંટણી પહેલા જ શહેરની 28 સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યું છે. રાજકોટમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ કરવામાં આવ્યા સ્થાનિકોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. જો કે, અશાંત ધારો લાગુ કરવામાં આવતા હવે આ વિસ્તારમાં હવે 28 સોસાયટીમાં મિલકત વેચાણ માટે કલેક્ટરની મંજૂરી જરૂરી છે.
શહેરની 28 સોસાયટીમાં અશાંતધારો લાગુ
રાજકોટની રૈયારોડ, એરપોર્ટ રોડ, રેસકોર્સ રિંગરોડ વિસ્તારમાં આવેલા 28 જેટલી સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જે 13 જાન્યુઆરી 2021થી 12 જાન્યુઆરી 2026 સુધી અમલી રહેશે. જેમાં સ્થાવર મિલકતનું હસ્તાંતરણ રાજકોટ જિલ્લા કલેકટરની મંજૂરી વગરનું હશે તો રદ્દબાતલ પણ ગણાશે. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આ ધારો લગાવામાં આવ્યો છે.
રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત અશાંતધારો લાગુ
રાજકોટ મનપાની સ્થાપના બાદ પ્રથમ વખત રાજકોટમા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જેને લઈને 28 સોસાયટીમાં હવેથી કોઈપણ સ્થાવર મિલકતના વહેંચવા માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી જરૂરી રહેશે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
સોસાયટીના રહિશોની માંગણી ધ્યાન રાખી લેવાયો નિર્ણય
રાજકોટમાં અશાંતધારો લાગુ કરવા અંગે કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, શહેરના એરપોર્ટ રોડ, હનુમાન મઢી સહિતની 28 જેટલી સોસાયટીમાં આ ધારો લાગુ કરવામાં આવ્યો છે. જે આગામી 5 વર્ષ સુધી લાગુ રહેશે. મુખ્યત્વે અહીંના રહિશોએ રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે, આ વિસ્તારમાં હવેથી મિલકતનું વહેંચાણ કલેક્ટરની મંજૂરી વિના થઈ શકશે નહીં.