રાજકોટઃ કોરોના વાયરસનો હાહાકારને લઈને દેશભરમાં વડાપ્રધાન મોદીએ રવિવારના રોજ લોકોને ‘જનતા કરફ્યૂ’ માટે લોકોને અપીલ કરી છે. ત્યારે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરના લોકોએ શનિવારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સ્વીકારીને જનતા કરફ્યૂનો અમલ કર્યો છે.
યાત્રાધામ વિરપુરમાં બીરાજતા સંત શીરોમણી પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે બારેમાસ ભાવીકોની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ ગુજરાતમાં નોંધાયેલા કોરોના કેસને લઈને સરકારે કોરોના સામે કરેલી લોકજાગૃતિની અપીલને લોકોએ સ્વીકારી છે. જેના કારણે યાત્રાધામ વિરપુરમાં ભાવીકોની સંખ્યા નહિવત જોવા મળી છે. તો બીજી તરફ વિરપુર વેપારી મંડળ અને ગ્રામજનો દ્વારા વડાપ્રધાનની જનતા કરફ્યૂના એક દિવસ પહેલા જ અમલ કરીને પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો હતો.
વિરપુરવાસીઓ તેમજ વેપારીઓએ શનિવાર અને રવિવાર બે દિવસ કરફ્યૂનો દેશભરમાં પ્રથમ અમલ કરતું ગામ બની ગયું છે. ત્યારે વેપારીઓ દ્વારા લોકોમાં કોરોના સામે જાગૃતતા આવે તે માટે જાહેરમાં થૂંકવુ નહીં જેવા સૂચન બોર્ડ પણ લગાવ્યા હતાં. તેમજ જનતા કરફ્યૂનો લોકો સ્વેચ્છાએ અમલ કરીને દરેક પોતાના ઘરમાં જ રહ્યા હતા. જેમને કારણે વિરપુરમાં કરફ્યૂ જેવો માહોલ જોવા મળતાની સાથે પૂજ્ય જલારામ બાપાને કોરોના વાયરસ વહેલામાં વહેલા દેશ નિકાલ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.