રાજકોટઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યારસુધીમાં 200 વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને આંક સતત વધારો થઈ રહ્યો છે. જેની જાણ થતાં ગાંધીનગરથી ગુજરાતના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી.
આ મુલાકાતમાં તેમણે જિલ્લામાં કોરોના દર્દીઓની માહિતી મેળવી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે જરૂરી પગલા લેવા માટે ડૉક્ટરો અને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સાથે જ સ્થાનિકોને પણ જિલ્લામાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને સતર્કતા જાળવવા જણાવ્યું હતું.
આ ઉપરાંત હૉસ્પિટલમાં જરૂરી સુવિધાઓ અંગેની માહિતી મેળવીને આરોગ્ય અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જયપ્રકાશ શિવહરેએ રાજકોટમાં તેમજ રાજ્યમાં કોરોના કેસમાં કઈ રીતે હૉસ્પિટલ અને આરોગ્યકર્મીઓ કામ કરી રહ્યા છે, તે અંગે મીડિયાને માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાના અત્યાર સુધીમાં 272 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 109 દર્દીઓ હજી પણ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 153 જેટલા દર્દીઓને કોરોનાની સારવાર બાદ રજા આપવામાં આવી છે.