- મુખ્યપ્રધાન રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
- 29 ઉમેદવારોની ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં નિમણૂક
- રેમ્યા મોહનના હસ્તે પાંચ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા
રાજકોટ: રાજયમાં કોરોનાની મહામારી દરમિયાન પણ રાજ્ય સરકારે ગુજરાતના ભવિષ્ય એવા બાળકોના શિક્ષણની ચિંતા કરી છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ રાજય સરકારે ગોઠવી છે. કોરોનાની મહામારી વચ્ચે પણ રાજ્યના શિક્ષણ વિભાગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક કાર્યના વિકાસ અને શૈક્ષણિક પ્રોત્સાહનના અનેક પગલાં લીધા છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાયો
ત્યારે મંગળવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં દરેક જિલ્લામાં રાજયકક્ષાએ કુલ 2938 શિક્ષણ સહાયકોની પારદર્શક અને ઝડપી ભરતી પદ્ધતિથી રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક થતાં ઉમેદવારોને રાજ્ય કક્ષાએ મુખ્યપ્રધાનના હસ્તે અને જિલ્લાઓમાં કલેક્ટર સહિતના અધિકારીઓના હસ્તે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
29 ઉમેદવારોની ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં નિમણૂક
રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 29 ઉમેદવારોની ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં નિમણૂક કરવામાં આવી છે. જેના નિમણૂક પત્ર આપવાના આજના ઓનલાઇન કાર્યક્રમમાં મુખ્યપ્રધાને નવનિયુક્ત ઉમેદવારોને સામાજિક જવાબદારી, ઉચ્ચ નૈતિક મૂલ્યો, શિક્ષકોની ઉમદા ભૂમિકા અને ભવિષ્યની પેઢીના ઘડતર અને સંસ્કારોના સિંચન સહિતના મુદ્દે માર્ગદર્શન આપી રાજ્ય સરકારના ઉદ્દેશો જણાવ્યા હતા.
આ પણ વાંચો: શિક્ષણ સહાયક ભરતી -2021 હેઠળ 2938 શિક્ષકોની નિમણુંક
રેમ્યા મોહનના હસ્તે પાંચ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા
રાજકોટમાં કલેકટર રેમ્યા મોહનના હસ્તે પાંચ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય અધિકારીઓના હસ્તે પણ નિમણૂક પત્ર આપી નિમણૂક પામેલા ઉમેદવારોને શુભકામના પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી રાજકોટના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.