રાજકોટ: ઉપલેટા તાલુકાની 10માં ધોરણમાં અભ્યાસ કરતી એક સગીરા સાથે વર્ષ 2020માં દુષ્કર્મનો એક બનાવ બન્યો હતો. આ બનાવમાં આબરૂ જવાની બીકે પરિવારે પહેલા પરિવારે ફરિયાદ નતી કરી. પરંતુ દુષ્કર્મ આચરનાર આરોપીએ સગીરાના પરિવારને ફોન કરી ધમકાવતા સગીરાના પરિવારે ઉપલેટા પોલીસ મથકમાં દુષ્કર્મ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો પોકસો કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી ભાવેશ કટૂડીયાને દોષી ઠરાવી કોર્ટે 20 વર્ષની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો હતો.
સગીરાના પિતાની ફરિયાદ: વર્ષ 2020માં દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ કરેલી હતી કે તેમની 16 વર્ષ એક માસ અને બે દિવસ ઉંમર ધરાવતી બહેન ફરિયાદના છ મહિના પહેલા ધોરણ 10ની પરીક્ષા આપતી હતી. ત્યારે આ કેસના આરોપી ભાવેશ માનસિંગ કટૂડીયાએ ભોગ બનનાર દીકરીને તેમના ગામના બસ સ્ટેન્ડમાંથી તારા પપ્પાનો અકસ્માત થયો છે અને બાળકીને દવાખાને લઈ જવાનું કહી તેનું અપહરણ કરી ગયો હતો અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
છ મહિના પછી નોંધાવી ફરિયાદ: દુષ્કર્મ બાદ આરોપી ભોગ બનનારને બેસાડી ઉપલેટા તાલુકામાંથી ધોરાજી લાવ્યો અને ત્યાં ભોગ બનનારના પરિચિત મળી જતા આરોપી ભોગ બનનારને મૂકી ત્યાંથી ભાગી ગયેલો હતો. આ બનાવમાં આબરૂ જવાની બીકે ભોગ બનનારના પરિવારે ફરિયાદ કરી ના હતી. પરંતુ ઘટનાને લગભગ છ મહિના પછી ભોગ બનનારના ભાઈને આરોપીએ ધમકી આપેલી કે તારી બહેનને ઉપાડી જઈશું. ધમકી બાદ પરિવારેપોલીસમાં ફરિયાદ આપી હતી. ગુનો નોંધાયા બાદ તત્કાલીન DYSP IPS સાગર બાગમારને તપાસ સોંપવામાં આવી હતી.
આરોપી પક્ષની દલીલ: છ મહિના મોડી ફરિયાદ છે અને ભોગ બનનારે પ્રતિકાર કરેલા હોય તેવા કોઈ પુરાવા નથી.
સરકારી વકીલની દલીલ: ફરિયાદ સમયે ભોગ બનનારની ઉંમર 16 વર્ષથી ઉપરની છે. પરંતુ બનાવ વખતે ભોગ બનનાર 16 વર્ષથી નાના હતા અને નવા સુધારેલા કાયદાના જોગવાઈ પ્રમાણે આ ખૂબ ગંભીર ગુનો ગણાય છે. ભોગ બનનારના શરીર પરથી લીધેલા નમૂનાઓમાં પોઝિટિવ રિપોર્ટ આવેલો છે. ભોગ બનનારની જુબાની તથા કલમ 164ના નિવેદનને જોતા આરોપી વિરુદ્ધનો ગુનો પુરવાર થયો છે તેવું જણાવ્યું હતું.
આરોપીને 20 વર્ષની સજા: સગીરા સાથે બનેલ દુષ્કર્મના બનાવમાં આરોપી ભાવેશ કટૂડીયા સામે IPC કલમ 363, 366, 376 (2), (જે), 507 તથા ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012 ની કલમ 4 અને એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) (ડબલ્યુ), 3(2)(5-એ), 3(2)(5) મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં પોકસો કેસ અદાલતમાં દાખલ થયેલ હતો. આ કેસમાં કોર્ટે તમામ સંજોગોને ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આરોપી ભાવેશ કટૂડીયાને દોષી ઠરાવી 20 વર્ષની સજા તથા રૂપિયા 50 હજારનો દંડ ફટકારેલ છે.