રાજકોટઃ 14 જુલાઈના રોજ કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા ગામમાં 12 વર્ષની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેની તપાસ સર્કલ પોલીસ ઈન્સપેકટર ગોંડલને સોંપવામાં આવી હતી. ગુનાનો ભોગ બનનાર અને શકમંદ ન મળતા વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપાઈ હતી, પરંતુ ભોગ બનનાર અને શકમંદની કોઈ હકીકત ન મળતા કેસની ગંભીરતા જોઈ આ અંગે વધુ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા પોલીસ અધીક્ષક બલરામ મીણાને સોંપવામાં આવી હતી.
તપાસ દરમિયાન ભોગ બનનાર (અપહ્યત) તથા આરોપીને તાત્કાલીક શોધી કાઢવા માટે ASP સાગર બાગમાર જેતપુર અને LCB PI એ. આર. ગોહિલને જરૂરી સૂચન તથા ટેક્નિકલ માર્ગદર્શન આપી અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે ગાંધીનગરના સરઢવ ખાતે શકમંદના રહેણાક સ્થળે તેમ જ મહેસાણા, પાલનપુર, કલોલ અને તેના સંભવિત સ્થળોએ તપાસ કરી હતી. હ્યુમન ઈન્ટેલિજ્ન્સ તથા ટેક્નિકલ સપોર્ટના આધારે અને પો. હેડ.કોન્સ્ટેબલ રવિદેવ બારડને મળેલી બાતમીના આધારે ગાંધીનગરની છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાંથી ભોગ બનનાર સગીરા અને નાસતો ફરતો આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે આરોપી હીરાજી કરસનજી ઠાકોર (ઉં.વ. 27)ની ધરપકડ કરી હતી.