રાજકોટઃ ગોંડલ રોડ પર આવેલા આંબેડકર નગરમાં 9માં રહેતા ધર્મદીપ નાગજીભાઈ પરમાર નામના 18 વર્ષીય યુવાનને છેલ્લા ત્રણ દિવસથી ફાકી (માવો) ન મળતા પોતાના ઘરે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ સમયે પરિવારના સભ્યો તેને જોઈ જતા તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ધર્મદિપ કારખાનામાં મજૂરી કરે છે.
આ ઘટના અંગે પોલીસને પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું કે, ધર્મદિપને ફાકી ખાવાનું બંધાણ છે. હાલમાં લોકડાઉન ચાલુ હોઇ ફાકી ક્યાંય મળતી નથી, પરંતુ જ્યાં મળે છે ત્યાં હવે ભાવ વધી ગયો હતો. તેમજ અત્યાર સુધી જે 15થી 20 રૂ લેખે તેને ફાકી મળી રહેતી હતી. પરંતુ હવે ફાકીના ભાવ 30 સુધી પહોંચી ગયા હોવાથી, ઉપરાંત મજૂરી બંધ હોવાથી ઘરમાં પૈસાની પણ ખેંચ હોય છે. ત્રણ ચાર દિવસથી તેને ફાકી મળી નહોતી એટલે તે કંટાળીને આજે સવારે એસિડ પી ગયો હતો. જે ઘટના અંગેની રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.