રાજકોટ ગુજરાતનું ભવિષ્ય એવા નવી પેઢીના બાળકોના આરોગ્ય વિશે વિચારવાનો સમય આવી ગયો છે. અચાનક જ ક્ષણોમાં મોતને ભેટેલાં બે વિદ્યાર્થીઓના બનાવે શિક્ષણજગતમાં હડકંપ મચાવ્યો છે. સાથે આ ઘટનાઓ બાળકોના વાલીઓ, શાળા સંચાલકો અને રાજ્ય સરકારને પણ પગલાં લેવાની જરુરિયાત તરફ અંગૂલિનિર્દેશ કરી રહી છે. રાજકોટની જસાણી સ્કૂલમાં ચાલુ કલાસે ધોરણ 8ની વિદ્યાર્થિનીનું મોત થયું છે. તેમજ વલસાડમાં આર્ટ્સના બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીનું કોલેજ પરિસરમાં ચાલતાંચાલતાં મોત થયું છે. આ બન્ને ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. કયા કારણોસર આ રીતે મૃત્યુ થયું છે એ જે તપાસનો વિષય છે. હાલ તો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ.
રાજકોટમાં ચાલુ ક્લાસે ઢળી પડી વિદ્યાર્થિની રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલી જસાણી સ્કુલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું અચાનક ચાલુ ક્લાસે ઢળી પડી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને તબીબોએ તેની તપાસ કરતાં મૃત જાહેર કરી હતી. આ વિદ્યાર્થીનીનું ક્યાં કારણોસર મોત થયું છે તે હજુ જાણવા મળ્યું નથી.
કોઇપણ પ્રકારની બીમારી ન હતી : રાજકોટની વિદ્યાર્થિનીનું મોત કયા કારણથી થયું તે હજુ સુધી બહાર આવ્યું નથી. તેને કોઈપણ પ્રકારની બીમારી ન હતી. તેમ છતાં આ તે ચાલુ કલાસે અચાનક બેભાન થઈ હતી અને ત્યારબાદ તેનું મૃત્યુ થયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી અને તંત્ર હરકતમાં આવ્યું હતું. સૌથી મોટો સવાલ એ હતો કે આમ કેમ થયું? વિદ્યાર્થિનીએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ પણ લઈ લીધા હતાં.
સવારે 8 વાગ્યે ઘટના બની : રાજકોટના ઢેબર રોડ પર આવેલી ગોપાલનગરમાં રહેતી રિયા કિરણકુમાર સાગર નામની 17 વર્ષીય વિદ્યાર્થિની સવારના સમયે 8 વાગ્યે ગોંડલ રોડ પર આવેલી અમૃતલાલ વીરચંદ જસાણી સ્કૂલમાં પોતાના ક્લાસ રૂમમાં હતી. ત્યારે અચાનક બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર અર્થે સ્કૂલની જ વેનમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર પર રહેલા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનોમાં દુઃખની લાગણી પ્રસરી હતી. અને આ સમાચાર પ્રસરતાં શિક્ષણજગતમાં શોકની લાગણી હતી.
આ પણ વાંચો Rajkot Jasani School : રાજકોટની આ શાળામાં વિદ્યાર્થિનીનું ચાલુ કલાસે મોત, ડીઇઓએ રીપોર્ટ માગ્યો
પોસ્ટમોર્ટમ દ્વારા જાણી શકાશે કારણ : ધોરણ 8ની વિદ્યાર્થિનીનું અચાનક મોત થવાને લઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ સાથે વિદ્યાર્થિનીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરાઈ હતી, જ્યારે તેના શરીરના અંગોને FSLમાં વિસેરા રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતાં. જેને લઈને હવે FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ વિદ્યાર્થીનીનું ખરેખર કયા કારણોસર મોત થયું છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે : રાજકોટ શિક્ષણ જિલ્લા અધિકારી બી એસ કૈલા દ્વારા શાળા પાસે આ ઘટના અંગેનો સંપૂર્ણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. બીજી તરફ રાજકોટની માલવિયા પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પરિવારજનોના ગંભીર આક્ષેપ : આ વિદ્યાર્થિનીના માતા અને સ્વજનો દ્વારા શાળા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં વહેલા બોલાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ શાળામાં ફરજિયાત શાળાનું જ સ્વેટર પહેરીને આવવાનું વિદ્યાર્થીઓને દબાણ કરવામાં આવે છે. જ્યારે આ પ્રકારના આક્ષેપ થતા શાળા તંત્ર પણ અનેક સવાલો ઊભા થયા છે.
સ્કૂલનું જ સ્વેટર પહેરીને આવવા દબાણ : રિયા કિરણકુમાર સાગર નામની વિદ્યાર્થિનીનું મોત થયા બાદ તેની માતા જાનકી સાગરે શાળા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આવી કડકડતી ઠંડીમાં શાળાઓ દ્વારા સમયમાં ફેરફાર કરવો જોઈએ. જ્યારે શાળામાં આવતા વિદ્યાર્થીઓને શાળાનું જ સ્વેટર પહેરવા માટે દબાણ ન કરવું જોઈએ. કારણ કે આ સ્વેટરમાં નાના બાળકોને ખૂબ જ ઠંડી લાગતી હોય છે. જેના કારણે તેને ઠંડીથી બચવા માટે કપડાં પહેરવાની છુટ પણ આપવી જોઈએ. મારી બાળકીનું માત્ર 10 જ મિનિટમાં મોત થયું છે. તેની હૃદયની નળીઓ બ્લોક થઈ ગઈ હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. હું વિનંતી કરું છું કે શાળાઓ દ્વારા સમયમાં ફેરફાર કરવો જોઈએ. મારી બાળકીને કોઈપણ બીમારી હતી નહીં છતાં પણ તે મોતને ભેટી છે.
વિદ્યાર્થિનીનું ઠંડીના કારણે મોત થયું : સ્વજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ બાળકીનું ઠંડી લાગવાના કારણે મોત થયું છે. આ અંગે ETV ભારત સાથેની વાતચીતમાં આ વિદ્યાર્થિનીના મોટા પપ્પા ચેતન સાગરે જણાવ્યું હતું કે સવારે પોણા સાત વાગ્યે આ વિદ્યાર્થિની શાળાએ ગઈ હતી અને પ્રાર્થના પત્યા બાદ તે પોતાની બહેનપણી સાથે વાતચીત કરી રહી હતી. તે દરમિયાન તે અચાનક જમીન ઉપર પડી ગઈ. ત્યારબાદ તેની સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેનું ECG કર્યું અને તેને મૃત જાહેર કરી હતી. આ બાળકીનું ઠંડી લાગવાના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇને વિદ્યાર્થીનીના પરીજનો લોકોને અપીલ કરી રહ્યા છે કે હાલ આ કાતિલ ઠંડીમાં પોતાના બાળકોનું ધ્યાન રાખે સાથે જ શાળા સંચાલકોને પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે શાળાનો સમય છે તે થોડો મોડો કરવામાં આવે જેના કારણે નાના બાળકોને ઠંડીમાં રક્ષણ મળી રહે.
આ પણ વાંચો ડાન્સ કરતી વખતે યુવતી અચાનક પડી ગઈ અને થયું મોત, જુઓ વીડિયો
સ્કૂલે કહ્યું વિદ્યાર્થિનીનું ઠંડીના કારણે મોત નથી થયું : અમૃતલાલ વીરચંદ જસાણી શાળાના આચાર્ય અસ્મિતા દેસાઈએ જણાવ્યું હતું કે ઠંડી લાગવાના કારણે વિદ્યાર્થિનીનું મોત નથી થયું. જેવી આ બાળકી પડી ગઈ હતી તેવી અમે 108 અને તેના માતાપિતાને જાણ કરી હતી અને ત્યારબાદ આ તેને તેના માતાપિતા સાથે જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અમે શાળા તરફથી જે પણ મેડિકલ ટ્રીટમેન્ટની જે પણ જરૂર હતી તે તમામ ટ્રીટમેન્ટ આ વિદ્યાર્થિનીને આપી હતી. ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થિનીના મોત બાદ શાળાનો સમયમાં અડધી કલાકનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ શાળાનો સમય 7:30 વાગ્યાનો હતો, પરંતુ વિદ્યાર્થીનીના મોત બાદ આ શાળાનો સમય 8:00 વાગ્યાનો કરવામાં આવ્યો છે.
શાળાઓ એક કલાક મોડી શરૂ કરવા સૂચના : રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બીએસ કૈલાએ જણાવ્યું હતું કે આ પ્રકારના વાતાવરણના કારણે જિલ્લા કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ જે તે શાળા સંચાલકોને સમયમાં ફેરફાર કરવા તેમજ રજા રાખવા માટેની છૂટ તંત્ર દ્વારા આપવામાં આવી છે. જ્યારે ઠંડીનું બીજું મોજું આવ્યું ત્યારે ફરજિયાત રાજકોટ જિલ્લામાં તમામ શાળાઓને એક કલાક મોડું શિક્ષણ કાર્ય કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શાળામાં સ્કૂલનું સ્વેટર પહેરવું તે શાળાના યુનિફોર્મના નિયમમાં આવે છે, પરંતુ બાળકને વધુ ઠંડી લાગતી હોય તો તે મફલર, ટોપી સહિતના ઠંડીના વધારાના કપડા પહેરી શકે છે. તેમજ ઠંડીના વધારાના કપડા નહીં પહેરવાનો કોઇપણ પ્રકારનો નિયમ નથી.
રાજકોટ ડીઇઓએ પરિપત્ર જાહેર કર્યો : સમગ્ર મામલે રાજકોટ NSUI દ્વારા પણ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ હવે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓના સમયમાં ફેરફાર માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના આચાર્યોને હાલની કોલ્ડવેવની પરિસ્થિતિને લઈને સવારની શાળાનો સમય એક કલાક મોડો અથવા 08:00 વાગ્યા પછી રાખવો. તેમજ આપની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવેકપૂર્ણ રીતે બાળકોને ઠંડી સામે રક્ષણ મળે તે રીતે બાળકોનું આરોગ્ય સચવાય તેમજ શિક્ષણકાર્યને પણ અસર ના થાય રીતે સૂચના આપવામાં આવે છે. આ સૂચનાનો અમલ આગામી 21 જાન્યુઆરી 2023 સુધી કરવાનો રહેશે.
આ પણ વાંચો Rajkot Jasani School: રાજકોટમાં ધોરણ 8માં ભણતી બાળકીના મોત મામલે પરિવારજનોના ગંભીર આક્ષેપ
યુનિફોર્મ સાથે ગરમ વસ્ત્રો પહેરવાની છૂટ : જિલ્લા શિક્ષણ અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે શાળાએ આવતા વિદ્યાર્થીઓને શાળાના યુનિફોર્મની સાથે અન્ય ગરમ વસ્ત્રો પણ પહેરવાની શાળાના બાળકોને છૂટ આપવી પડશે. એક જ કલરના સ્વેટર પહેરાવવાની ફરજ ના પાડી શકાય.
સરકારે શું કહ્યું : ગુજરાત સરકારના પ્રવકતાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારીને જવાબદારી આપવામાં આવી છે. પોતાની રીતે શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે એવું જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાના સંચાલકો જણાવવામાં આવ્યું છે. ઠંડીમાં શાળા સંચાલકો કોઈપણ બાળકને ફરજિયાત એક જ કલરના સ્વેટર પહેરાવવાની ફરજ ન પાડી શકે એમ ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું.
વલસાડમાં કોલેજના વિદ્યાર્થીનું મોત : રાજકોટની આ ઘટનાના પડધા હજી શાંત થયા નથી. ત્યાં વલસાડમાં જે પી શ્રોફ આર્ટ્સ કોલેજના એસવાયબીએના વિદ્યાર્થીનું કોલેજ પરિસરમાં જ ચાલતાંચાલતાં મોત થયાના સમાચાર બહાર આવ્યાં હતાં. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો ત્યારે તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક રીપોર્ટ મુજબ કહેવાય છે કે તેને હાર્ટએટેક આવ્યો હોવાનું અનુમાન છે. જે વિદ્યાર્થી વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહે છે અને તેનું નામ આકાશ દિનેશભાઈ પટેલ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
શું થયું હતું : વિદ્યાર્થી આકાશ પટેલ આજે સવારે લેક્ચર પૂર્ણ થયા બાદ કોલેજ કમ્પાઉન્ડમાં મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ ઢળી પડ્યો હતો.તેની સાથેના સહયોગી મિત્રો પણ તેને નીચે પડેલો જોઈ હેબતાઈ ગયા હતા અત્યારે કોલેજમાં બેસેલા અન્ય વિદ્યાર્થીઓ પણ બનેલી ઘટના જોતા એકત્ર થઈ ગયા હતા અને ઘટના અંગે કોલેજ સંચાલકોને જાણ કરી હતી. કોલેજના પ્રોફેસરની કારમાં તેને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જો કે રસ્તામાં 108 મળતા તેને ફરીથી 108 એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો અને વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો કોલેજતંત્ર દ્વારા તાત્કાલિક સારવાર અર્થે કસ્તૂરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ત્યાં ડોક્ટરે સારવાર દરમ્યાન આકાશ પટેલને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો Student die in class: રાજકોટ પછી વલસાડની એક કોલેજમાં વિદ્યાર્થીનું થયું મૃત્યુ
બચાવવા ભરપુર પ્રયત્ન થયાં : આકાશને 108 મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર થયેલ લાવવામાં આવ્યો હતો જ્યારે ફરજ પર હાજર રહેલા તબીબોએ તેને તપાસ કર્યા બાદ અને કેટલીક ટ્રીટમેન્ટ આપવાની કોશિશ પણ કરી હતી પરંતુ તેને બચાવી શક્યા ન હતા અને અંતે તેને મૃત જાહેર કર્યો હતો. કસ્તુરબા હોસ્પિટલના ડોક્ટર સમીર દેસાઈના જણાવ્યા અનુસાર યુવકને જ્યારે લઈને આવવામાં આવ્યો હતો ત્યારે તેની નાડીઓ ચાલતી ન હતી અને હૃદયના ધબકારા પણ બંધ હતાં. પરંતુ તેમ છતાં પણ મેડિકલની કેટલીક ટ્રીટમેન્ટ આપી તેને ફરીથી ઉઠાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તબીબોના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા હતાં.
ઘટનાના સીસીટીવી : બીજી તરફ કોલેજ પરિસરમાં મૂકવામાં આવેલા સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. અચાનક ચાલતા ચાલતા જ આકાશ તેમના મિત્રથી થોડે દૂર જઈને જમીન ઉપર ઢળી પડે છે અને લોકો એકત્ર થઈ જાય છે. આ સમગ્ર બાબત સીસીટીવીમાં ઝીલાઇ ગઇ થઈ છે. તો બીજી તરફ રાજકોટની ઘટના બાદ વલસાડમાં વિદ્યાર્થીના અચાનક મોતની બીજી ઘટના બનતાં વિદ્યાર્થી આલમમાં પણ શોક જોવા મળ્યો છે.