રાજકોટ : પતંગ-દોરા અને ઊંધિયા સાથે ગુજરાતીઓ મકરસંક્રાંતિની મોજ માણતા હોય છે, પરંતુ અનેક નિર્દોષ પક્ષીઓ પતંગ દોરાનો ભોગ બનતા હોય છે. ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ દોરાથી ઈજાગ્રસ્ત અથવા મોતને ભેટતા હોવાના સેંકડો બનાવ બનતા હોય છે. ત્યારે રાજ્ય સરકારે આવા કિસ્સામાં કરુણા અભિયાન શરૂ કરી પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરી છે.
કરુણા અભિયાન : રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે "કરુણા અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે સમગ્ર રાજ્યમાં "જીવદયા એ જ પ્રભુસેવા"ના મંત્ર સાથે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટે રાજ્યવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાશે અને કામગીરી કરશે. જેના ભાગરૂપે આજે રાજકોટ અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધીએ પક્ષીઓની સારવાર અર્થે "એનિમલ હેલ્પલાઇન 1962"ની આશરે સાત એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી હતી.
એનિમલ હેલ્પલાઇન : આ અંગે વિગતવાર માહિતી આપતા અધિક નિવાસી કલેક્ટરે જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટ જિલ્લામાં "કરુણા અભિયાન" હેઠળ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કરુણા 1962 ની 22 એમ્બ્યુલન્સ, એનિમલ હેલ્પલાઇનની 11 એમ્બ્યુલન્સ, 3 બાઈક એમ્બ્યુલન્સ, 2 અદ્યતન હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ, જીવદયા ઘરની 1 એમ્બ્યુલન્સ સહિત સોનોગ્રાફી અને પેથોલોજી જેવી જરૂરી ઓપરેશન માટેની તૈયારી સાથે વિવિધ વેટરનરી ડોક્ટરોની ટીમ સુસજ્જ રહેશે.
તંત્ર તૈયાર છે : નોંધનીય છે કે, જૂનાગઢ અને આણંદથી 18 તબીબો સેવા માટે રાજકોટ આવશે. તેમજ પશુપાલન વિભાગના 10 ડોક્ટરોની ટીમ તાલુકા કક્ષાએ ફરજ નિભાવશે. ત્વરિત સારવાર માટે 21 નિદાન કેન્દ્ર, કલેકશન સેન્ટર સાથે જિલ્લાની તમામ તાલુકાની રેન્જ કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. આ સાથે જ વન વિભાગ દ્વારા ટાસ્કફોર્સ ટીમની રચના કરવામાં આવી છે. જેના દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરા વેચતા વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
હેલ્પલાઈન નંબર : રાજકોટ વહીવટી તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં પક્ષી નિદાન કેન્દ્રોની માહિતી માટે વોટ્સએપ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ 832000200 નંબર પર "Karuna" મેસેજ લખીને મોકલશે તેમજ https://bit.ly/krunaabhiyan ઉપર ક્લિક કરવાથી કરુણા અભિયાનની તમામ માહિતી જિલ્લાવાર મળી શકશે. આ સાથે જ જિલ્લામાં એક પણ પક્ષી સારવાર મેળવવામાંથી વંચિત ન રહી જાય તે માટે રાજકોટ વન વિભાગના કંટ્રોલ રૂમ નંબર જાહેર કર્યા છે.
જનતા જોગ અપીલ : આપણી મજા અન્ય માટે સજા ન બને તેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની અપીલ કરતા રાજકોટ અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધીએ કહ્યું હતું કે, આપણે જવાબદાર નાગરિક બનીને પતંગના દોરાનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ. તાર ઉપર લટકતા દોરાના કારણે ઘણીવાર સામાન્ય નાગરિક પણ ઈજાગ્રસ્ત બને છે. ગુચવાયેલ દોરા જ્યાં ત્યાં ન ફેંકી તેનો કચરાપેટીમાં નાખી યોગ્ય નિકાલ કરવો જોઈએ. આપણી બેદરકારીના કારણે એક નિર્દોષ પક્ષીને તકલીફ પડે છે અને જીવ પણ જાય છે. ત્યારે વ્યક્તિગત જવાબદારી નિભાવીને કોઈને પણ ઈજાગ્રસ્ત કર્યા વિના ઉલ્લાસપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવી જોઈએ.