રાજકોટ: ગોંડલમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મૃત્યુના આંક પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. જ્યારે ગોંડલની કોવિડ હોસ્પિટલમાં નારાયણ નગરમાં રહેતા 68 વર્ષીય પુરુષનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. 1 ઓગસ્ટના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે એડમિટ કરાયા હતા, પરંતુ દર્દીને સારવાર ન મળતા ગોંડલ ખટારા સ્ટેન્ડ પાસે આવેલ અમૃત કોવિડ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.
પરિવારજનોએ ખાનગી કોવિડ હોસ્પિટલમાં તેમના પિતાને યોગ્ય સારવાર ના મળી હોવાના આક્ષેપો લગાવ્યા છે. આ ઉપરાંત મૃતકના મૃતદેહને યોગ્ય રીતે પેક પણ કરવામાં આવ્યો ન હતો. જેથી પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. ગોંડલ નગર પાલિકા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મૃતકના મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર ઘટનાની સામાજિક સેવાભાવીઓને જાણ થતાં તેઓ ગોંડલ સ્મશાને પહોચ્યા હતા અને જવાબદાર નગરપાલિકાના સત્તાધીશોને ત્યાં બોલાવી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવી હતી.