સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લાં ચાર દિવસથી ઈન્ટરનેટ અને વાઇફાઇ કનેક્ટિવિટીની સેવાઓ ખોરવાઈ છે. જેના કારણે યુનિવર્સિટીમાં ઓનલાઈન થતાં મહત્વના કામો પણ અટકી પડયાં છે. યુનિવસિર્ટીના વિવિધ ભવનો, વહીવટી સંકૂલ અને હૉસ્ટેલમાં નેટની વ્યવસ્થા ખોરવાઈ જતાં અંદાજિત 500 જેટલાં કોમ્પ્યુટર ડબલાં થઈ ગયા છે. નેટ બંધ થવાનું કારણ વરસાદી વાતાવરણ ગણાઈ રહ્યું છે. પણ મેન્ટેનન્સના નામે મીંડુ હોવાથી ઘણી વખત નેટ-વાયફાય ખોરવાઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીએ BSNLની લિઝ લાઈન લીધી છે. દર વર્ષે લાખો રૂપિયા ભાડા પેટે ચૂકવવામાં આવે છે. યુનિવર્સિટીમાં રોજીંદા કામ સિવાયના મહત્વના અને મોટા કામ રજાના દિવસોમાં કરવામાં આવે છે. રજા હોય ત્યારે અન્ય વિભાગો બંધ હોવાથી સ્પીડનો પ્રશ્ન ન નડે તે માટે રજાના દિવસે વેબ અપગ્રેડેશન ડાઉનલોડ જેવા કામો કરવામાં આવે છે. આ બધા કામ નેટ બંધ રહેતાં છેલ્લા ચાર દિવસથી ઠપ્પ પડ્યાં છે. જેથી તંત્રને ભારે હાલાકી ઉઠાવવી પડી રહી છે.